રાજકોટના ડ્રોન દીદીએ ડ્રોન થકી ૩ હજાર એકરમાં દવાનો છંટકાવ કરી એક વર્ષમાં કરી 12 લાખની કમાણી

  • May 02, 2025 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના નાનવાડા ગામના સોનલબેન પાંભર આજે લખપતિ દીદી બની ગયા છે. કોલેજ સુધીનો અભ્યાસ કરનાર ૩૩ વર્ષીય મહિલા ખેડૂત સોનલબેન પડધરી ખાતે સખી મંડળમાં જોડાયા. સોનલબેન ઇફ્કો દ્વારા યોજાતી 15 દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે પુના પહોંચ્યા અને ત્યાં થીયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રિમોટથી ડ્રોન ઉડાવતા શીખ્યા. આસપાસ ગામના ખેડૂતો પણ હવે સોનલબેનને ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગ્યા છે. સોનલબેન એ ડ્રોન પદ્ધતિથી દવાના છંટકાવનો પહેલો પ્રયોગ તેમના જ ખેતરમાં કર્યો. આમ તો આખો દિવસ દવાના છટકાવ પાછળ લાગતો હોય છે પરંતુ ડ્રોન દ્વારા ફક્ત એક કલાકમાં જ દવાનું છંટકાવ થઈ જાય છે. સોનલબેન દર મહિને ૮૦ હજારથી એક લાખ રૂપિયા કમાય છે. છેલ્લા એક વર્ષમાં 1700 જેટલા ખેડૂતોના ખેતરમાં 3000 એકરમાં દવાનો છંટકાવ કરી સોનલબેન એ 12 લાખની આવક મેળવી છે.


૧૫ દિવસની તાલીમ મેળવવા ઘરનો ઉંબરો ઓળંગી પૂના પહોંચી ગયા

વાત જાણે એમ છે કે, કોલેજ સુધીનો અભ્યાસ કરનાર ૩૩ વર્ષીય મહિલા ખેડૂત સોનલબેન પડધરી ખાતે સખીમંડળમાં જોડાયા. એક સારો વિચાર પોતાનું અને આસપાસના લોકોનું જીવન સરળ બનાવી શકે તે સોનલબેને સાબિત કરી બતાવ્યું છે. સખીમંડળમાં "નમો ડ્રોન દીદી" યોજના વિશે જાણકારી મળતા સોનલબેનને ખેતીમાં આધુનિક પ્રયોગ કરવાની ઈચ્છા જાગી અને ૧૫ દિવસની તાલીમ મેળવવા ઘરનો ઉંબરો ઓળંગી પૂના પહોંચી ગયા.


થિયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રીમોટથી ડ્રોન ઉડાવતા શીખે છે 

ઘરનું રસોડું અને બાળકોને સંભાળતા, દાતરડાંથી ખેતરમાં નિંદામણ દૂર કરવા તથા પશુપાલન કરનારા સોનલબેનને પોતાના પતિ નિકુંજભાઈ તેમજ પરિવારનો સહયોગ મળતા ઇફ્કો દ્વારા યોજાતી ૧૫ દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે પૂના પહોંચી ત્યાં થિયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રીમોટથી ડ્રોન ઉડાવતા શીખે છે. આ અંગે સોનલબેન પાંભર સહર્ષ કહે છે કે, મારા ગામના અને આસપાસ ગામના ખેડૂતો હવે મને ડ્રોન દીદી તરીકે ઓળખે છે. સરકાર દ્વારા યોજાયેલ તાલીમ અને વિનામૂલ્યે અપાયેલ ડ્રોન તેમજ ઈ-થ્રીવિલરથી મારું અને મારા પરિવારનું જીવન ધોરણ બદલાયું છે. ખેડૂતો સામાન્ય રીતે પરંપરાગત ખેતી કરવા ટેવાયેલાં હોય છે, ત્યારે સરકાર દ્વારા વિવિધ સાધન સહાયની યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેતી અને ખેડૂત સધ્ધર થઈ શકે. 


પ્રથમ પ્રયોગ અમારા પોતાના ખેતરમાં જ કર્યો

સોનલબેને કહ્યું કે, તાલીમ બાદ ડ્રોનથી દવાનો છંટકાવ કરવાનો પ્રથમ પ્રયોગ અમારા પોતાના ખેતરમાં જ કર્યો, આસપાસના ખેડૂતોએ આ પદ્ધતિ જોઈ અને તેઓ રાજી થયા, કેમકે દવાનાં છંટકાવ માટે આખો દિવસ લાગતો હોય ત્યાં ડ્રોન દ્વારા એક કલાકમાં દવાનો છંટકાવ થઈ જાય છે. ડ્રોન પદ્ધતિથી દવાના છંટકાવમાં ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. હવે ડ્રોનથી દવાના છંટકાવ માટે મજૂર શોધવા માટે બહાર જવું પડતું નથી. એક એકરમાં છંટકાવ માટે સાત મિનિટ જેટલો સમય લાગે. જેથી સમય, પાણી તેમજ દવાની બચત થાય છે.


પંપથી દવાનો છંટકાવ કરવામાં આવે તો દવા શ્વાસમાં પણ જાય છે

પંપથી દવાનો છંટકાવ કરવામાં આવે તો દવા શ્વાસમાં પણ જાય છે, જયારે ડ્રોનથી દવાનો છંટકાવ પાંદડા પર જ જાય જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
આ ઉપરાંત બાગાયતી પાક, કપાસ, તુવેર, એરંડા, મગફળી જેવા પાકો માટે ડ્રોનથી છંટકાવમાં ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે, મોટા ગીચ પાકમાં વચ્ચે જવું પડતું નથી જેથી પાકને નુકશાની ન થાય તેમજ સાપ જેવા જીવજંતુઓનો ડર રહેતો નથી.સોનલબેને વધુમાં ઉમેર્યું હતું કે, હું દર મહિને ૮૦ હજારથી એક લાખ રૂપિયા કમાઈ લઉં છું. છેલ્લા  એક વર્ષમાં મેં ૧૭૦૦ જેટલા ખેડૂતોના ખેતરમાં એટલે કે, ૩ હજાર એકરમાં દવાનો છંટકાવ કરી ૧૨ લાખની આવક મેળવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application