નદી પહોળી કરવાની કામગીરી અંતર્ગત વધુ ૬૬૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી: વ્હેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાપાલિકાની કાર્યવાહી
જામનગરમાં રંગમતી નદીને પહોળી કરવાની કામગીરી અંતર્ગત ગુવારે ડીમોલીશનનો બીજો રાઉન્ડ શ કરાયો છે. જે અંતર્ગત વોર્ડ નં. ૧૬ માં લાલપુર રોડ પર જુદા જુદા ત્રણ સ્થળે નદીના પટમાં ખડકાયેલા વાડા, કાચા પાકા મકાનો સહિત ૩૩ અનઅધિકૃત દબાણો જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નદી પહોળી કરવાની આ કામગીરી અંતર્ગત વધુ ૬૬ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે. ડીમોલીશનની આ કામગીરી વ્હેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાએ હાથ ધરી હતી.
જામનગરમાં ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરીને પારાવાર નુકશાન થાય છે. જેમાંનું એક મુખ્ય કારણ રંગમતી નદીના પટમાં ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો છે, જેના કારણે નદી સાંકળી બનતા પાણીનો સંગ્રહ ન થતાં નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળે છે, ત્યારે ચોમાસા પૂર્વે નદીને પહોળી કરવા માટે મહાપાલિકાએ મેગા ડીમોલીશન ઝુંબેશ શ કરી છે. જેના પ્રથમ તબક્કામાં રંગમતી નદીના કાંઠે ખડકાયેલા ગેરકાયદે ૯૪ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. હજુ પણ નદીના પટમાં જુદા જુદા સ્થળે અનઅધિકૃત બાંધકામો છે. આથી આ બાંધકામોને દૂર કરવા ગુવારે વ્હેલી સવારથી મહાનગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડીમોલીશનનો બીજો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વોર્ડ નં. ૧૬ માં લાલપુર રોડ પર કીર્તી પાન પાસે, આ વિસ્તારમાં ઘાંચીની ખડકી તેમજ બાયપાસ ચોકડી પાસે મળી કુલ ૩ સ્થળે નદીના પટમાં ખડકાયેલા ગેરકાયદેસર વાડા અને કાચા-પાકા મકાન મળી કુલ ૩૩ બાંધકામો તોડી પાડવા માટે પાડતોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સાંજ સુધીમાં આ તમામ બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવશે. મેગા ડીમોલીશન દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. લાલપુર રોડ પર ૩ સ્થળે નદીના પટમાંથી ૩૩ ગેરકાયદે બાંધકામ દૂર કરાતા અંદાજે ૬૬ હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થશે. નદીના પટમાં પાણીના વહેણને અવરોધતા આ ગેરકાયદે બાંધકામો દૂર થતાં ચોમાસામાં પાણીનો પ્રવાહ સરળતાથી વહી શકશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા પણ ઘટશે.
૬ જેસીબી દ્વારા કામગીરી, બે મેડીકલ ટીમ ખડેપગે, ૧૦૦ કર્મીઓનો સ્ટાફ જોડાયો...
રંગમતી નદીને પહોળી કરવા માટે ગુવારે મહાપાલિકા દ્વારા વ્હેલી સવારથી મેગા ડીમોલીશન પાર્ટ-૨ શ કરાયું હતું. જે અંતર્ગત અનઅધિકૃત ૩૩ દબાણો તોડી પાડવા માટે ૬ જેસીબી, ૭ ટ્રેકટર દ્વારા કામગીરી કરાઇ હતી. આ કામગીરી દરમ્યાન બે મેડીકલ ટીમ, બે ફાયર ફાઇટર તથા પોલીસની બે ટુકડી ખડેપગે રહી હતી. ડીમોલીશનની કામગીરી દરમ્યાન મનપા તેમજ અન્ય વિભાગના મળી કુલ ૧૦૦ કર્મીઓનો સ્ટાફ જોડાયો હતો.
મનપાની સમયસરની કાર્યવાહીના અભાવે દબાણોનો રાફડો ફાટયો
રંગમતી નદીના પટમાં છેલ્લા ઘણા વર્ષોથી દબાણો ખડકાયા છે. મહાનગરપાલિકાએ સમયાંતરે જો દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હોત તો નદીના પટમાં દબાણોનો રાફડો ફાટ્યો ન હોત તે સ્વાભાવિક છે. બીજી બાજુ નદીના પટમાં દબાણોના કારણે ચોમાસામાં દર વર્ષે પાણીનો પ્રવાહ અવરોધાતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે માલ મિલ્કતને પારાવાર નુકશાન થયું છે, તો તેના માટે જવાબદાર કોણ ? તે સવાલ પણ ઉઠ્યો છે.