ભાવનગરમાં સવારમાં જ મરણચીંસો સંભળાઈઃ ફૂટપાથ પર બેઠેલા માતા-પુત્રી પર કાળ બની ત્રાટકી એસટી બસ, ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બંનેને કચડી નાખ્યા

  • August 26, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે એક અત્યંત કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહેલી સિહોર-ટાણા-વરલ રૂટની એસ.ટી. બસના ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા પૂરપાટ ઝડપે દોડતી બસે રોડ પર ભારે અફરાતફરી મચાવી મૂકી હતી. બસની બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઈવરનો સ્ટીયરીંગ પરથી કાબૂ છૂટી ગયો હતો અને તે સીધી ફૂટપાથ પર ચડીને નજીકમાં આવેલી ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર ભયાનક રીતે ટકરાઈ હતી.

આ અકસ્માત સમયે ફૂટપાથ પર પોતપોતાના વાહનની રાહ જોઈને બેસેલા નિર્દોષ મુસાફરો બસની ચપેટમાં આવી ગયા હતા. આ કરૂણ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે માતા અને તેમની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સિવાય અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો તાબડતોબ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને મદદરૂપ થઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રૂશ થઈ ગયેલી બસને ક્રેન કે અન્ય સાધનો વડે હટાવીને રસ્તા પરનો ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


અકસ્માતમાં મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્તની વિગતો

મૃતકના નામ

લલીતાબેન ગુલાબસિંહ પરમાર (ઉંમર વર્ષ 28, રે. રામધરી, સણોસરા)

સોનિયાબેન ગુલાબસિંહ પરમાર (ઉંમર વર્ષ 7, રે. રામધરી, સણોસરા)


ઈજાગ્રસ્તની વિગત

મધુબેન લાલજીભાઈ વાઘેલા (રે. ઠોડા - ઉંમરલા)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application