જામનગર  : જોડિયાની યુ.પી.વ્યાસ ક્ધયા વિદ્યાલયમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

  • January 02, 2026 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પ્રધાનમંત્રીના ’ટીબી મુક્ત ભારત’ અભિયાનના આહ્વાનને પ્રતિસાદ આપતા, શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા-જોડિયા દ્વારા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ ક્ધયા વિદ્યાલય ખાતે એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને ટીબી રોગ વિશે જાગૃત કરવા અને દર્દીઓને સામાજિક તથા માનસિક ટેકો પૂરો પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.


સેમિનારમાં ધોરણ ૧૧ અને ૧૨ની ૯૦થી વધુ વિદ્યાર્થીનીઓને ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ટીબી એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી ફેલાતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. જો કે યોગ્ય અને સતત સારવારથી આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે. આ અભિયાન અંતર્ગત શાળાની ૭ વિદ્યાર્થીનીઓ અને ૪ શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે નિ-ક્ષય મિત્ર તરીકે જોડાઈને ટીબીના દર્દીઓને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટેની પ્રેરણાદાયી પહેલ કરી હતી. ટીબીની સારવાર લાંબી હોવાથી દર્દીને માનસિક સધિયારાની ખાસ જરૂર હોય છે, જે ભૂમિકા હવે આ નવયુવાન નિ-ક્ષય મિત્રો ભજવશે.
​​​​​​​

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો.પંકજકુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયાની દેખરેખ હેઠળ જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગ પરમાર, ટીબી સુપરવાઈઝર નિકુંજભાઈ પાગડાર અને આરોગ્ય કર્મચારી મનીષભાઈ દ્વારા મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા તથા શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application