રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર

  • October 04, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં ૪ થી ૧૦ ટકાનો વધારો કર્યો


સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ખેડૂતોના હિત માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ કૃષિ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો

 

ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૪ થી ૧૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૬૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૨૨૫ પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. ૨૫૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૬-૨૭માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિ. (રૂ. ૫૧૭ પ્રતિ મણ), જવ માટે રૂ. ૨,૧૫૦ પ્રતિ ક્વિ. (રૂ. ૪૩૦ પ્રતિ મણ), ચણા માટે રૂ. ૫,૮૭૫ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૧૭૫ પ્રતિ મણ), મસૂર માટે રૂ. ૭,૦૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૪૦૦ પ્રતિ મણ), રાયડા માટે રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૨૪૦ પ્રતિ મણ) અને કસુંબી માટે રૂ. ૬,૫૪૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧,૩૦૮ પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

આમ, વર્ષ ૨૦૨૪-૨૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૫-૨૬માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. ૧૬૦ થી રૂ. ૬૦૦ પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application