જામનગર  : પાંચ દીવસથી માનસિક ત્રાસ હતો, ૪૫ વર્ષમાં શિવ શોભાયાત્રા આ વખતે આકારમાં આકરી છે

  • February 16, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં મહાશિવરાત્રીની પરંપરાગત શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખે કોઇ ચોકકસ વિભાગનો ઉલ્લેખ કર્યા વગર પાંચ દીવસથી માનસિક ત્રાસ હોય આ સમસ્યાનો ભાજપના આગેવાનો નિવેડો એટલે કે ઉકેલ લાવ્યા બાદ પણ ત્રાસ યથાવત રહેતા ૪૫ વર્ષમાં આજની શિવ શોભાયાત્રા આકરામાં આકરી છે તેવો ચોંકાવનારો અને સણસણતો આક્ષેપ કરતા ભારે ચકચાર જાગી છે. ડીજે બંધ હોય શોભાયાત્રા મૌન હોય ડીજે વગાડવા માટે ભાજપના નેતાઓ પાસેથી વચન માંગ્યું હતું. આ બનાવથી શિવભકતોમાં નારાજગી સાથે રોષની લાગણી ફેલાઇ છે. 


છોટી કાશી જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હીન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્રારા પરંપરાગત શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સિઘ્ધનાથ મહાદેવ મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયા બાદ થોડી  ક્ષણોમાં એટલે કે વ્હોરાના હજીરા પાસે શોભાયાત્રા પહોંચતા શોભાયાત્રા ઝડપથી ચલાવવા મુદે આયોજકોને પોલીસ સાથે ચકમક થઇ હતી. ત્યારબાદ મસમોટા અવાજ સાથે ડીજે વગાડવા મુદે રકઝક શરૂ થઇ હતી. આ દરમ્યાન શોભાયાત્રા બેડીગેઇટે પહોંચી ત્યારે શોભાયાત્રાના આયોજક પૈકીના મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસે જાહેરમાં કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, દર વર્ષ હીન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્રારા મહાશિવરાત્રીના શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.


 આટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્રારા રામનવમી, મહાશિવરાત્રીના શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. પરંતુ ભાજપના પ્રમુખ અને આગેવાનોને વિનંતી કરી જણાવવાનું કે આજની શોભાયાત્રા અમારા માટે આકરામાં આકરી છે. આ શોભાયાત્રા મૌન છે, કારણ કે ડીજે બંધ છે. ભાજપની સરકાર છે, આપણે બધા હીન્દુ છીએ અને હીન્દુના તહેવારમાં પાંચ દીવસથી માનસિક ત્રાસ હતો. ભાજપના ટોચના આગેવાનો આ બાબતનો નિવેડો લાવ્યા છતાં હજુ અમને માનસિક ત્રાસ હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.


આટલું જ નહીં ભાજપના પ્રતિનિધિઓ મનાવવા ગયા તેઓનું પણ માનતા નથી અને પાર્ટીના પ્રમુખને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યાનું તેમણે જાહેરમાં કહ્યું હતું. મહાશિવરાત્રી એટલે રાત્રી અને શિવનો મહીમા એટલે રાતનો મહીમા, પ્રમુખને વિનંતી કરૂ છું  કે, ડીજે તદન મૌન છે. પાર્ટીએ અને સાંસદ, ધારાસભ્ય અને પ્રમુખે મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે તેમ જણાવી બેડીગેઇટથી ભીડભંજન સુધી શોભાયાત્રા પહોંચે ત્યાં સુધી કોઇ માનસિક ત્રાસ નહીં આપે અને ડીજે જોશથી વાગશે તેવું વચન માંગ્યું હતું. આ બનાવના પગલે શિવભકતોમાં નારાજગી સાથે રોષની લાગણી ફેલાઇ છે. 


શોભાયાત્રા ઝડપથી આગળ વધારવા મુદે પોલીસ સાથે ચકમક, આયોજકો માર્ગ પર બેસી ગયા

જામનગરમાં મહાશિવરાત્રીના શિવ શોભાયાત્રાનો સિઘ્ધનાથ મહાદેવ મંદીરેથી  પ્રારંભ થયો હતો. પરંતુ થોડી જ ક્ષણોમાં શોભાયાત્રા ઝડપથી આગળ વધારવા મુદે આયોજકો અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી. આથી રોષે ભરાયેલા આયોજકો માર્ગ પર બેસી ગયા હતાં અને વિરોધ તથા રોષ વ્યકત કર્યો હતો. આટલું જ નહીં આ કારણોસર શોભાયાત્રા ૧૫ થી ૨૦ મીનીટ સુધી રોકાઇ ગઇ હતી. આખરે સમજાવટ બાદ મામલો થાળે પળતા શોભાયાત્રા આગળ વધી હતી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application