નૂતન ધ્વજારોહણ, યજ્ઞ, પ્રસાદી, લોક ડાયરો, ચારણી રમતો સહિતના કાર્યક્રમો યોજાયા
ખંભાળીયા તાલુકાના બેહ ગામે આવેલા પ્રાચીન તથા ઐતિહાસિક તથા ચમત્કારિક ગણાતા જુંગીવારા વાછરા ડાડાના મંદિરનો નવમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. તથા સવારના ધ્વજારોહણથી રાત્રીના લોકડાયરા સુધી હજારોની સંખ્યામાં ભાવિકો આસપાસના ગામો તથા દૂર દૂરથી ઉમટ્યા હતા.
જુંગીવારા ધામ ટ્રસ્ટ તથા સમસ્ત બેહ ગામ દ્વારા યોજાયેલ આ નવમા પાટોત્સવની શરૂઆત મંદિરે સવારે સાત વાગ્યે નૂતન ધ્વજારોહણથી થઈ હતી. સવારથી જ મંદિરના પટાંગણમાં હવન યજ્ઞ યોજાયો હતો. જેનું બપોરે બીડું હોમવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બપોરના 12 વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધી પ્રસાદી યોજાઈ હતી. જેનું વ્યવસ્થિત આયોજન થયું હતું. અને હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. જેના દાતા રામદેભાઈ લાખાભાઈ વલાણી રહ્યા હતા. બપોરે બે વાગ્યે ચારણી રમત સાથે દાંડિયારાસનો પણ કાર્યક્રમ યોજાયો હતો. તો રાત્રે 10 વાગ્યે ગૌશાળાના લાભાર્થે ભીમભાઈ ઓડેદરા ગૃપ આદિત્યાણાની કાનગોપી રાસ મંડળી તથા જાણીતા કલાકારો ઉદય ધાંધલ, ભાવેશ આહીર, તૃપ્તિ ગઢવી, જશુબેન રબારી નો ડાયરો પણ યોજાયો હતો. સવારથી રાત્રી સુધીમાં હજારો ભાવિકો વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા.
વર્ષો પહેલા જુંગીવારા વનમાં માનવ ભક્ષી રાક્ષસના ત્રાસમાંથી ઉગારવા બાર વર્ષની બાળા કરમયબાઈ દ્વારા વાછરાડાડા પ્રગટ થયેલા તથા ચારણ ગઢવી સહિત અઢારેય વર્ણના લોકોની આસ્થાનું પ્રતીક જુંગીવારા વાછરાભાનું આ પંથકમાં ખૂબ જ મહત્વ છે તથા અહીં લોકો મોટી સંખ્યામાં રોજ દર્શને પણ આવે છે.