ગુજરાતમાં અગાઉ એરપોર્ટ, ફ્લાઈટ, હોટલ, સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. ત્યારે હવે મંદિરને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચમાં BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં યુવકે પારિવારિક વિવાદમાં મંદિર ઉડાવી દેવાની ધમકી આપી હોવાનું ખુલ્યું છે.
મળતી માહિત મુજબ, ધમકીભર્યો કોલ મળતા જ પોલીસ દોડતી થઈ હતી અને એક શકમંદ વ્યક્તિને ઉઠાવી લેવામાં આવ્યો હતો. પોલીસે આ શખસની પૂછપરછ હાથ ધરી હતી. ધમકીભર્યો કોલ દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ ધમકીનો કોલ માત્ર ટીખળ માટે કરવામાં આવ્યો હોય શકે છે. જોકે, પોલીસ આ મામલે કોઈપણ શક્યતા નકારી રહી નથી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આ કોલ દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે ભરૂચ શહેર "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં B.N.S કલમ 217 અને 353 (2) હેઠળ ગુનો નોંધ્યો છે.
પરિવાર સાથેના વિવાદને લઈને ખોટી માહિતી આપી હતી
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપનાર યુવકને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર આરોપી યુવકે પોતાના પરિવાર સાથેના વિવાદને લઈને ખોટી માહિતી આપી હતી. જેને ગંભીરતાથી લેતા પોલીસ તંત્રએ તાત્કાલિક તપાસ આરંભી હતી.
બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી
આ અંગે ભરૂચ એસસીએસટી સેલ ડીવાયએસપી ડૉ.અનિલ સિસારાએ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમને મળેલી માહિતી પ્રમાણે, અજાણ્યા શખસે રાત્રિના એકથી બે વાગ્યાના વચ્ચે ફોન કરીને જાણ કરી હતી કે ચાર શખ્સો સ્વામિનારાયણ મંદિરે બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે. મળેલી માહિતીના આધારે એસઓજી અને "સી" ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ.વી.પાણમિયા અને તેમની ટીમોએ તાત્કાલિક પગલાં ભરી ભરૂચ બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
ભાઈઓ સામે કાર્યવાહી કરાવવા તરકટ રચ્યું
અંતે સર્વેલન્સ ટીમે મોબાઈલ ટ્રેસિંગના આધારે શંકાસ્પદ ઈસમને ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપી તોસીફ આદમ પટેલે પૂછપરછમાં કબૂલાત આપી હતી કે તેણે ખોટી માહિતી આપીને પોતાના ભાઈઓ સામે પોલીસ કાર્યવાહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech