વિદ્યાનગરમાં ૩ કારને આગ ચાંપનાર ત્રણ શખ્સો ઝડપાયા

  • May 21, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદ્યાનગરમાં મોડીરાત્રીના શખ્સોએ  સોસાયટીમાં પાર્ક કરેલી ત્રણ કાર પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી દીધી હતી. ઘર  સામે ઉભા રહેતા શખ્સોને   ઉભા રહેવા બાબતે ટપાર્યાની દાઝે  આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં ત્રણ સામે   ફરિયાદ નોંધાવાતા નીલમબાગ પોલીસે  ત્રણેય શખ્સોની  ધરપકડ કરી હતી.
શહેરના વિદ્યાનગરવિસ્તારના આશીર્વાદ, અનંત કો. ઓપરેટી સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ જયેન્દ્રભાઈ શાહે નિલમબાગ પોલીસ મથકમાં લવલી હિંમતભાઈ વાઘેલા, અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીયા સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના તેના ઘર સામે ત્રણ ચાર શખ્સો  ઉભા રહેતા હોય જેથી તમે તો અહિયા ઉભા ન રહો તેમ કહેતા શખ્સોએ   "તમે અહિ કેમ રહો છો તે અમે જોઈ લેશુ,  તમારા વાહનો સળગાવી દેશુ" તેવી ધમકી આપી તેઓને ઢીંકાપાટુનો માર માર્યો હતો.
બાદ રાત્રીના બેથી ત્રણ વાગ્યાના અરસા દરમિયાન ઉક્ત શખ્સોએ   સોસાયટીમાં આવી તેઓની સોસાયટીમાં પાર્ક કરી રાખેલી  હાઈક્રોસ નંબર જીજે. ૦૪.ઈપી- ૦૦૧૬, ડો. જગદિશસિંહ ફતેસિંહ રાણાની હોન્ડા સીટી જીજે. ૦૪. એપી- ૮૧૯૭ અને જગદિશસિંહના પત્ની કુમુદીનીબાની માલીકીની સેવરોલેટ જીજે. ૦૪. એપી- ૩૯૯૭ પર કોઈ  જવલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી નાસી છુટયા હતા.
ચિંતનભાઈએ નોંધાવેલી  ફરીયાદના પગલે  નિલમબાગ પોલીસે ત્રણેય શખ્સો   સામે બીએનએસ એક્ટ ૩૨૪(૫), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૩(૫), ૫૪, મુજબ ગુનો દાખલ કર્યો હતો. અને  તપાસ હાથ ધરી  લવલી હિંમતભાઈ વાઘેલા, અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીયાની ધરપકડ કરી લોકઅપ હવાલે કરી દીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application