રાજકોટના આજી ડેમ ખાતે આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પરિવારના ચાર સભ્યો ડેમમાં ડૂબી જતાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે ચોથા સભ્યની શોધખોળ હજુ પણ ફાયરબ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શહેરના સોરઠીયા પ્લોટ વિસ્તારમાં રહેતા ભરતભાઈ દેવજીભાઈ જાદવ (ઉં.વ. 42) તેમના બે પુત્રો ધવલ અને રોહિત તથા સાળાના પુત્ર ધ્રુવ મકવાણા સાથે આજે સાંજે 4 વાગ્યાની આસપાસ રિક્ષામાં આજી ડેમ ખાતે પહોંચ્યા હતા. ડેમ પાસે રિક્ષા ધોતી વખતે પરિવારના સભ્ય રોહિત જાદવે ડેમના કાંઠે જઈ હાથ-મોઢું ધોવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
રોહિતને ડૂબતો જોઈ તેને બચાવવા માટે તેનો ભાઈ ધવલ પાણીમાં ઉતર્યો હતો. ત્યારબાદ તેને બચાવવા ધ્રુવ અને પિતા ભરતભાઈ પણ પાણીમાં કૂદી પડ્યા હતા. એકબીજાને બચાવવાની મથામણમાં ચારેય લોકો ડેમના ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.
ફાયરબ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા બેડીપરા ફાયર સ્ટેશનની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર જવાનોએ અત્યાધુનિક સાધનો સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં, રોહિત જાદવ હજુ પણ લાપતા હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા તેની સઘન શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.