જામનગરનાં અલગ અલગ વિસ્તારોમાં જમીન પચાવી પાડવાના મામલા સામે આવી રહ્યા છે. તાજેતરમાં લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠક મળી હતી જેમાં અલગ અલગ પ્રકરણો ઘ્યાન પર લેવાયા હતા અને તપાસનાં અંતે ફરિયાદો નોંધવા માટે નિર્દેશ આપ્યા હતા. દરમ્યાનમાં રણજીતસાગર રોડ પર સરકારી જમીન પચાવીને ૬૬ પ્લોટ વહેંચી નાખ્યાનો મામલો સામે આવતા ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. લેન્ડ ગ્રેબીંગના આ પ્રકરણમાં અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. દરમ્યાનમાં વધુ બે મામલા પોલીસમાં પહોંચ્યા છે. જેમાં મોટા થાવરીયામાં મહિલાની વડીલોપાર્જીત જમીનમાં ઓરડી બનાવી દબાણ કર્યાની ગામમાં રહેતા ૩ સામે ફરિયાદ કરાઇ છે. જયારે લાલપુરના બાધલા ગામમાં બે વીઘા ખેતીની જમીનમાં દબાણ કર્યાનો મામલો કમીટી સમક્ષ પહોંચ્યા બાદ જામનગર અને હાલ દુબઇ રહેતા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. બન્ને મામલામાં ફરિયાદ આધારે તપાસનો દોર ડીવાયએસપી દ્વારા આગળ ધપાવવામાં આવ્યો છે.
વડોદરાનાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ ખાતે રહેતા શોભનાબેન હિતેનભાઇ પટેલ ઉ.૫૫નામના મહિલાની જામનગર તાબેના મોટા થાવરીયા ગામના નવા રેવન્યુ સર્વે નં. ૮૮૭ જેના જુના સર્વે નં. ૪૦૦ પૈકી નવ વાળી જમીનમાં આવેલ વડીલોપાર્જીત જુના મકાન તેમજ જૂની ઓરડીઓ પૈકી બે ઓરડીમાં તથા પડી ગયેલ એક ડેલાની જગ્યામાં બે શખ્સોએ એક જૂની ઓરડીમાં અને જુના ડેલામાં આરોપીએ કબજો કર્યો હતો.
તેમજ આરોપીએ આ જમીનનાં પશ્ર્ચિમ શેઢે નવુ મકાન બનાવી ફરિયાદીની માલિકીની જમીનમાં ગેરકાયદે દબાણ કરી ઉપરાંત જમીનમાં આવવા જવા માટે રસ્તો બનાવી ગેરકાયદે કબજો જમાવી લીધો હતો. અંદાજે ૮ થી ૧૦ વર્ષના સમયગાળામાં બનાવ બન્યાનો જાહેર કરાયો છે. દરમ્યાનમાં શોભનાબેન દ્વારા પંચકોષી એ માં મોટા થાવરીયા ગામમાં રહેતા ધીરુ દેવશી ચોવટીયા, જેન્તી દેવશી ચોવટીયા અને રતિલાલ દેવશી ચોવટીયાની વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૩), પ(ગ) મુજબ ફરિયાદ નોંધાવતા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી ફરિયાદમાં લાલપુર તાલુકાનાં બાધલા ગામના વતની અને હાલ જામનગર રણજીતસાગર રોડ મયુર ટાઉનશીપ પ્લોટ ૯૫/૩ ખાતે રહેતા ખેતી કરતા ગીરધર ગોરધનભાઇ કથીરીયા ઉ.વ.૫૮ નામના વૃદ્ધની માલિકીની ખેતીની જમીન બાધલા ગામ જુના સર્વે નં. ૬૧/૪ તથા નવા રેવન્યુ સર્વે નં.૧૩૧ના હેકટર ૦.૯૧.૦૫ ચો.મી.ની આશરે પ વીઘા ૧૧ ગુંઠા ખેતીની જમીન ભાઇયુ ભાગે મળતા વારસાઇ વર્ષ ૨૦૦૯ થી મળેલ. ત્યારબાદથી આજ સુધી અંદાજે બે વીઘા ખેતીની જમીનમાં આરોપીઓએ દબાણ કરી ગેરકાયદે કબજો લીધો હતો.
જમીન પચાવી પાડી તેનો હાલમાં કબજો ચાલુ રાખતા ફરિયાદી ગીરધરભાઇએ જામનગર જિલ્લા કલેકટરને સંબોધીને લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી. દરમ્યાન લેન્ડ ગ્રેબીંગ સમિતિએ અરજી બાબતે તપાસ કરી પુરાવા એકત્રિત કરી જામનગર પોલીસ અધિક્ષકને તા.૨-૨-૨૬થી કચેરીના પત્ર મારફત ફરિયાદ દાખલ કરાવવા અને નિયમો અનુસાર કાર્યવાહી કરાવવા હુકમ કર્યો હતો.
જેના આધારે જે તે પોલીસ સ્ટેશનને દરખાસ્ત અન્વયે આદેશ કરતા મામલો સામે આવ્યો હતો. અને ગીરધરભાઇ કથીરીયા દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં ઉપરોકત જમીન કબજા બાબતે ગઇકાલે જામનગરના મયુર ટાઉનશીપ ૧ શેરી નં. ૯માં રહેતા નયન રમેશ કથીરીયા અને જામનગરના તથા હાલ દુબઇનાં કતાર ખાતે રહેતા વીમલ રમેશ કથીરીયા નામનાં બે પટેલ બંધુ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૩), પ(ગ) મુજબ ફરિયાદ નોંધાવતા લાલપુર વિભાગના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં રણજીતસાગર રોડ પર સરકારી જમીન પર કબજો કરી પ્લોટ પાડી વેંચાણ કર્યાની વિગતો સામે આવતા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ થઇ હતી. દરમ્યાન વધુ બે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે તે વખતે લેન્ડ ગ્રેબીંગ સમિતિ દ્વારા કુલ પાંચ મામલા હોવાનું સામે આવ્યું હતું જે પૈકી ત્રણ પ્રકરણમાં વિધિવત ગુના દાખલ કરવામાં આવતા ભુ-માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.