ગુજરાતમાં ભાજપના જ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ: સોશિયલ મીડિયા કોમેન્ટ મુદ્દે કપડાં ફાડી મારમારી, 4 લોહીલુહાણ

  • August 24, 2026 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા ભીલાપુર ગામમાં ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથો વચ્ચે સામસામે વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક કોમેન્ટને કારણે શરૂ થયેલો નાનો વિવાદ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો. ગામના જાહેર રસ્તા પર જ બંને જૂથના કાર્યકરો અને સમર્થકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર છુટ્ટાહાથની મારામારી કરી કપડાં ફાડી નાખ્યા હતા. આ હિંસક અથડામણમાં કેટલાક લોકો લોહીલુહાણ થતાં વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.


મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલના ફેસબુક પેજ પર કરવામાં આવેલી એક પોસ્ટથી થઈ હતી. આ પોસ્ટ પર એક પક્ષ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ અંગે બંને જૂથો વચ્ચે પહેલાં તીખી બોલાચાલી થઈ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને જૂથો વચ્ચે ઘણા સમયથી જૂની રાજકીય અદાવત ચાલી રહી હતી. જેમાં સોશિયલ મીડિયા પરની કોમેન્ટે આ અદાવતમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.


જાહેર રસ્તા પર થયેલી આ મારામારીના લાઇવ વીડિયો સ્થાનિકો દ્વારા કેમેરામાં કેદ કરી લેવાયા હતા, જે ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. આ ઘટનામાં કુલ ૪ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.


ઘટનાની જાણ થતાં જ ડભોઇ પોલીસનો કાફલો તાકીદે ભીલાપુર ગામે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પ્રાથમિક તપાસ હાથ ધરીને બંને જૂથના લોકોની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે. આ હિંસક અથડામણમાં કુલ કેટલા લોકો સામેલ હતા અને કાયદાકીય કાર્યવાહી કોની કોની સામે થશે તે અંગે પોલીસની વિગતવાર તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application