બાંગ્લાદેશમાં હિન્દુ લોકો પર થઈ રહેલા અમાનુષી ત્રાસના વિરોધમાં ખંભાળિયામાં ઉગ્ર વિરોધ

  • December 07, 2024 11:21 AM 

રેલી સ્વરૂપે કલેકટરને આવેદન અપાયું


બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવાસીઓ ભારે વ્યથિત બન્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓના મંદિરો અને ઘરો પર હુમલા, હિંસા અને ઉત્પીડનની અનેક ઘટનાઓ નોંધાઈ છે. તેને ખુબ જ દુઃખદ અને ચિંતાજનક ગણાવીને ગઈકાલે શુક્રવારે ખંભાળિયામાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બેનરો સાથે રેલી સ્વરૂપે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


બાંગ્લાદેશમાં હિન્દુ રહીશો પર થઈ રહેલી હિંસક ઘટનાઓ અને તેમના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન અત્યંત ચિંતાજનક ગણાવવામાં આવ્યું છે. જેથી બાંગ્લાદેશમાં બંધારણનું ગળું દબાવવામાં આવી રહ્યું હોવાનું અને હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાના સુર સાથે શુક્રવારે સાંજે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા, તોડફોડ, મૂર્તિઓની અપવિત્રતા અને આગચંપીનો તેમજ અહીં હિન્દુઓના મકાનોમાં તોડફોડ અને સંપતિની લૂંટ, આ સમુદાયના લોકો પર સતત થતા હુમલા, ધર્મ પરિવર્તન માટે દબાણ વચ્ચે હિન્દુઓને સરકારી રક્ષણનો અભાવ સહિતના આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ અને બાંગ્લાદેશ સરકારને મજબૂત સંદેશ મોકલવા આવેદનપત્રમાં લેખિત માંગ કરવામાં આવી છે.


બાંગ્લાદેશ સરકાર દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ભારત સરકાર દ્વારા હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને તેમના ધર્મ અને સંસ્કૃતિનું પાલન કરવાની સ્વતંત્રતા આપવા માટે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.

આ પૂર્વે અહીંના જોધપુર ગેઈટ ચોકમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં હિન્દુ અસ્મિતા મંચના કાર્યકરો, આગેવાનો તેમજ સંતો-મહંતો સાથે બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application