કુરંગા નજીક યુવાન ઉપર હુમલો: પાંચ સામે ફરિયાદ

  • November 18, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહાર રાજ્યના પશ્ચિમી ચંપારાણા જિલ્લાના બગાહી તાલુકાના મૂળ વતની અને હાલ દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતા નાગેન્દ્ર જગદીશ પ્રસાદ નામના 38 વર્ષના યુવાન પર ભાટિયા ગામના રહીશ રામ ગઢવી, રાણસી તથા હરિ તેમજ બિહારના ગુડ્ડુ અને અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ પાંચ શખ્સો દ્વારા તેમને બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


ફરિયાદી નાગેન્દ્ર પ્રસાદ અગાઉ કુરંગા ખાતે રામ લુણાની શક્તિ એન્ટરપ્રાઈઝમાં કામ કરતો હતો. પરંતુ તેના ચારેક મહિનાથી તેણે અહીં કામ કરવાનું બંધ કરી અન્યત્ર કામ કરવા જતા હોવાથી આ બાબતનો ખાર રાખીને ઉપરોક્ત બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે એક અજાણ્યા સહિત તમામ પાંચ શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના એ.એસ.આઈ. દેશુરભાઈ ભાચકન દ્વારા હાથ ધરવામાં આવી છે.


જમીનના મન-દુઃખનો ખાર રાખીને માલેતાના પ્રૌઢ પર મહિલા સહિત પાંચ દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી

કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા વેજાણંદભાઈ દેવશીભાઈ રાવલિયા નામના 53 વર્ષના આહિર પ્રૌઢ સાથે અગાઉના જમીન તથા રસ્તા બાબતના ચાલ્યા આવતા મનદુઃખનો ખાર રાખી, તેઓ પોતાની ભેંસો લઈને ચરાવવા જતા હતા, ત્યારે આરોપી પ્રવીણ કારૂભાઈ રાવલિયા, પાર્થ દલવીર ડુવા, કારૂ દેવશી રાવલીયા, દલવીર રામ ડુવા અને રાધુબેન પ્રવીણભાઈ રાવલીયા વિગેરે દ્વારા ભેંસોને પથ્થર મારી, ફરિયાદી વેજાણંદભાઈ ઉપર ત્રિકમના ઉંધા ઘા મારીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની અને તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બઘડાટીમાં પ્રવીણ ડુવાના મજૂરોએ પણ તેમને પથ્થરોના ઘા માર્યા હતા. જે અંગે પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application