જામનગર: શિક્ષકોની વ્યથા, વસ્તી ગણતરી, પ્રવેશોત્સવ, ડ્રોપ આઉટ બાળકોની શોધ, શું કરવું...?
શિક્ષણની માઠી: વધારાની કામગીરીના ભારણથી હાલારની શાળાઓમાં અભ્યાસ પર વિપરીત અસર
વર્તમાન સમયમા શાળા પ્રવેશોત્સવ વિધાર્થીઓનો નહીં શિક્ષકોને કરાવવાની જરૂર જેથી શિક્ષણનો ખરા અર્થમાં ઉઘ્ધાર થઇ શકે
હાલારની શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રના પ્રારંભથી અભ્યાસ પર વિપરીત અસર પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, શાળાના શિક્ષકો પર એક પછી એક વધારાની કામગીરીની ભારણ ઝીંકવામાં આવી રહ્યું છે. આથી શિક્ષકોમાં વ્યથા સાથે વસ્તી ગણતરી, પ્રવેશોત્સવ કે ડ્રોપ આઉટ બાળકોની શોધ કરવી કે બાળકોને ભણાવવા તે અંગે ભારે મૂંઝવણમાં મૂકાયા છે. વર્તમાન સમયમાં તો શાળા પ્રવેશોત્સવ વિધાર્થીઓનો નહીં પરંતુ શિક્ષકોને કરાવવાની જરૂર છે, જેથી શિક્ષણનો ખરા અર્થમાં ઉઘ્ધાર થઇ શકે તેવી ચર્ચા શિક્ષણજગતમાં જોરશોરથી થઇ રહી છે.
રાજયના શિક્ષણવિભાગના છાશવારે અભ્યાસ સિવાયની કામગીરીના નીતનવા ફતવારૂપી પરિપત્રો, મતદાર યાદી ખાસ સુધારણમાં બીએલઓ સહીત અન્ય કામગીરીમાં શિક્ષકોને જોતરાતા શિક્ષણ ખાડે ગયું છે. શાળાઓના ઘટતા પરિણામ, અધવચ્ચે શાળા છોડીને જતા બાળકોની વધતી સંખ્યા તેના બોલતા પુરાવા છે. આમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા બોધપાઠ લેવાને બદલે શિક્ષકોને અભ્યાસ ઉપરાંત અન્ય કામગીરીની સોંપણીની પરંપરા યથાવત રાખવામાં આવી છે. રાજય સહીત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં તાજેતરમાં વેકેશન પૂર્ણ થતાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. જો કે, શાળાના બાળકોને વેકેશન હતું પરંતુ શિક્ષકોને નહીં, કારણ કે વેકેશનમાં શિક્ષકોને વસ્તી ગણતરીની તાલીમ અને કામગીરી સોંપવામાં આવી હતી.
નવાઇની વાત એ છે કે, શાળાઓમાં નવું શૈક્ષણીક સત્ર શરૂ થઇ ગયું છે. પરંતુ શાળાઓમાં બાળકોને ભણાવવા કે અન્ય કામગીરી કરવી તે અંગે ભારે મૂંઝવણમાં મૂકાયા છે. કારણ કે: હાલમાં વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને જોતરવામાં આવ્યા છે. બીજી બાજુ આગામી તા. ૨૩,૨૪ અને ૨૫ જૂનના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જો કે, એક હકીકત એ પણ છે કે બે વખત પ્રવેશોત્સવની તારીખ બદલવામાં આવી છે. કારણ કે, પહેલા ૧૧ થી ૧૩ જૂન અને ત્યારબાદ ૧૮ થી ૨૦ જૂનનો સમયગાળો નકકી કરાયો હતો. આથી શિક્ષણમાં એક વખતમાં નિર્ણય નહીં લેવાની પ્રણાલી યથાવત રહી છે. બીજી બાજુ અધવચ્ચે શાળા છોડી ગયેલા બાળકોને શોધીને પુન: શાળામાં પ્રવેશની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. આ સતત ચાલતી પ્રક્રીયા છે. આથી હાલમાં શાળામાં બાળકોને ભણાવવા કે વસ્તી ગણતરીની કામગીરી કરવી, પ્રવેશોત્સની તૈયારી કરવી કે અધવચ્ચે શાળા છોડીને ચાલ્યા ગયેલા બાળકોને શોધીને શાળામાં પુન: પ્રવેશ અપાવવા પૈકી શું કામગીરી કરવી તેવી હૈયાવરાળ વ્યકત કરી રહ્યા છે. વર્તમાન સમયમાં શાળાઓમાં દિન-પ્રતિદિન શિક્ષણ કથળી રહ્યું છે. ખાસ કરીને સરકારી શાળાઓની હાલત સુધરવાને બદલે બગડી રહી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, હાલમાં વસ્તી ગણતરી સહીત અન્ય કામગીરી માટે શિક્ષકો ફીલ્ડમાં એટલે કે શાળા બહાર, પ્રવેશોત્સવમાં અધિકારીઓ શાળામાં અને બાળકો સ્થળાતંર, મજૂરી કે અન્ય કારણોસર શાળા છોડતા ડ્રોપ આઉટની સ્થિતિ પ્રર્વતી રહી છે. નવાઇની વાત તો એ છે કે, શિક્ષણ વિભાગના અધિકારીઓના અણધડ નિર્ણયો અને અસંખ્ય પ્રયોગોના કારણે રાજયનું શિક્ષણ કથળ્યું છે. શિક્ષકો જયારે વસ્તી ગણતરીની કામગરીમાં જોતરાયેલા છે ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના મીશન સાથે મોટા ઉપાડે પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. પરંતુ પહેલા બીએલઓ હવે વસ્તી ગણતરીની ઓનલાઇન કામગીરી શિક્ષકોને સોપવામાં આવતા આ પ્રકારની કામગીરી બાળકોના ડ્રોપ આઉટ રેશિયો વધવા પાછળના મુખ્ય કારણો પૈકી એક છે. ત્યારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શાળા પ્રવેશોત્સવના તાયફા કરવામાં આવે છે, પરંતુ શિક્ષકોને વસ્તી ગણતરી કરવા મોકલી શાળાના વર્ગથી અને વિધાર્થીઓથી દૂર રાખવામાં આવે છે. આથી આ નિતિ સામે અનેક સવાલ ઉઠ્યા છે તો ટીકાપાત્ર પણ બની છે. આથી ખરા અર્થમાં હવે શાળા પ્રવેશોત્સવની જરૂર વિધાર્થીઓને નહીં પરંતુ શિક્ષકોને કરાવવાની જરૂર છે, કારણ કે, શિક્ષકો તેની ફરજના તમામ કલાકો શાળામાં હાજર રહે તો શિક્ષણનો ખરા અર્થમાં ઉઘ્ધાર થઇ શકે તેમ શિક્ષણજગતમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.