જામનગર શહેરમાં સતત બીજા દિવસે પ્રતિબંધિત એનાલોગ પનીર સબબ ચેકીંગ

  • August 07, 2026 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં સતત બીજા દિવસે પ્રતિબંધિત એનાલોગ પનીર સબબ ચેકીંગ

પવનચકકીથી લાલપુર ચોકડી સુધીની દુકાનો, રેસ્ટોરન્ટોમાં ફુડશાખાની તવાઇ

શહેરમાં અખાદ્ય પનીર વેચનારા સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરાશે 

જામ્યુકોની ફૂડ શાખાએ નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શહેરમાં પનીર અને અન્ય દૂધજન્ય ખાદ્ય પદાર્થોના વેચાણ પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. ગઈકાલે  શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીઓ અને પનીર વેચતા કુલ ૧૭ વેપારીઓને ત્યાં તપાસ દરમિયાન અંદાજે ૨૭ કિલો અખાદ્ય પનીર મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

મનપાની ફૂડ શાખાની ટીમે શહેરના કુલ ૧૭ સ્થળોએ તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન પનીરની ગુણવત્તા, સંગ્રહ કરવાની પદ્ધતિ તેમજ સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન વાસી, દૂષિત અને માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનું જણાતા અંદાજે ૨૭ કિલો પનીરનો નાશ કરાવવામાં આવ્યો હતો.તદઉપરાંત પનીરના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ આજે સતત બીજા દિવસે પણ  ચેકિંગ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

ખાસ કરીને જામનગરના પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધીના રણજીત સાગર રોડ પર આવેલા તમામ હોટલ રેસ્ટોરન્ટ વગેરેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને જુદી જુદી બે ટીમોને દોડતી કરવામાં આવી છે.ફુડશાખાએ વેપારીઓને ચેતવણી આપી છે કે ગુણવત્તા વિનાનું અથવા અખાદ્ય પનીર વેચતા ઝડપાશે તો તેમની સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે કડક ચેકિંગના નિર્દેશો આપ્યા બાદ સમગ્ર ગુજરાતમાં તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ પણ બે દિવસથી આ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application