જામ્યુકોમાં અધધધ..વર્કલોડ, માર્ગના તમામ કામનો ભાર સીવીલ શાખાના શીરે..!

  • October 08, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોમાં અધધધ..વર્કલોડ, માર્ગના તમામ કામનો ભાર સીવીલ શાખાના શીરે..!

આજકાલ એક્સકલુઝીવ: પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના અધિકારીઓની કામગીરીના ભારણની ચોંકાવનારી રજૂઆત બાદ આદેશ, ૭ કર્મીને તાકીદની અસરથી સીવીલ શાખામાં મૂકાયા

સીસી અને આસ્ફાલ્ટ રોડ સહીતની કામગીરીનું રેકર્ડ, ડીમાન્ડ સીવીલ શાખામાં ટ્રાન્સફર કરાશે: પેચવર્ક અને રોડ સેલ અલગ કરવા ૧૦ અધિકારી-કર્મચારીની ખાસ ટીમની રચના 

જામનગર મહાનગરપાલીકામાં અધધધ વર્કલોડના પગલે માર્ગના તમામ કામનો ભાર સીવીલ શાખાના શીરે આવ્યો છે. પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના અધિકારીઓની કામગીરીના ભારણની ચોંકાવનારી રજૂઆત બાદ નાયબ કમિશ્ર્નર દ્વારા ખાસ આદેશ કરી ૭ કર્મચારીને તાકીદની અસરથી સીવીલ શાખામાં મૂકાયા છે. આટલું જ નહીં સીસી અને આસ્ફાલ્ટ રોડ સહીતની કામગીરીનું રેેકર્ડ, ડીમાન્ડ સીવીલ શાખામાં ટ્રાન્સફર કરાશે. પેચવર્ક અને રોડ સેલ અલગ કરવા ૧૦ અધિકારી-કર્મચારીની ખાસ ટીમની રચના કરવામાં આવી છે.

જામનગર શહેરનો વિસ્તાર વર્ષ-૨૦૧૪માં વઘ્યો છે. પરંતુ મહાનગરપાલીકામાં સેટઅપમાં ખાસ ફેરફાર થયો નથી. કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓથી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે. જેના કારણે મનપાના જે સીનીયર અને અનુભવી અધિકારીઓ છે તેના પર કામગીરીનું ઘરખમ ભારણ છે. જેની માઠી અસર અધિકારીઓની સાથે મનપાની પ્રત્યક્ષ અને પરોક્ષ કામગીરી પર થઇ રહી છે. આમ છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. મનપામાં આ કપરી સ્થિતિમાં પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના બંને નાયબ કાર્યપાલક ઇજનેરે ગત તા.૩૦-૦૯-૨૦૨૬ના નાયબ કમિશ્ર્નરને ખાસ પત્ર પાઠવી ચોંકાવનારી રજૂઆત કરી હતી. આ પત્રને અનુલક્ષીને મનપાના નાયબ કમિશ્ર્નર દ્વારા તા.૫-૧૦-૨૦૨૬ના ખાસ કાર્યાલય આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં જણાવ્યાનુસાર પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના બંને નાયબ કાર્યપાલક ઇજનેરના તા.૩૦-૯-૨૦૨૬ના પત્ર અનુસાર ખૂબજ મોટા પ્રમાણમાં વર્કલોડ, પ્રોજેકટ વર્ક તેમજ મોટાભાગના કામોમાં સારી પીએમસીને દરેક કામમાં પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાને રાખવામાં આવી છે.


આ કારણોસર પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા પર ખૂબજ વર્કલોડ એટલે કે કામગીરીનું ભારણ છે. આથી આ વર્કલોડને મેનેજ કરવા માટે રોડવર્કના તમામ પ્રકારના સીસી રોડ, આસ્ફાલ્ટ રોડ, પેચવર્કના કામ તથા કેપીટલ વર્ક આસ્ફાલ્ટના તમામ કામનું રેકર્ડ, ફાઇલ, પેચવર્કની ડીમાન્ડ વગેરે સીવીલ શાખામાં ટ્રાન્સફર કરી સવીલ શાખાના કાર્યપાલક ઇજનેર હીતેશ પાઠકના માર્ગદર્શન હેઠળ આસ્ફાલ્ટ કેપીટલ વર્ક, શહેરના જુદા-જુદા વોર્ડમાં પેચવર્ક તથા રોડ અલગ કરવા માટે સીવીલ શાખા ખાતે ટીમ રીલીઝ કરવામાં આવી છે. જેમાં શેખ શકીલએહમદ એચ., નાયબ કાર્યપાલક ઇજનેર(સીવીલ શાખા), સચીન કાલાવડીયા(જુનીયર ઇજનેર સીવીલ), વોટર વર્કસ, રાકેશ ભેંસદડીયા જુનીયર ઇજનેર(સીવીલ), સૂચીત પી.જાની(કો.બે.)પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ, શુભમકુમાર બી.વેકરીયા, વર્ક આસી.(કોન્ટ્રાકટ બેઇઝ) સીવીલ, પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખામાં ફરજ બજાવતા  અત્રી અવી અનીલભભાઇ વર્ક આસીસ્ટન્ટ(આ.સો.), પરમાર કમલેશ કીશનભાઇ, વર્ક આસી.(આ.સો.), સુવા જયદીપ મનહરભાઇ, વર્ક આસી.(આ.સો.), અજય એમ.કાંબરીયા, અ.મ.ઇ,(આ.સો.), ડેર મયુર હેમતભાઇ, અ.મ.ઇ.(આ.સો.) પૈકી સીવીલ શાખા સિવાયના તમામ અધિકારી-કર્મચારીઓને તેમની હાલની શાખામાંથી રીલીવ એટલે કે છુટા કરી તાકીદે સીવીલ શાખામાં હાજર થવા આદેશ કરાયો છે. આટલું જ નહીં પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાની ઉપરોકત કામગીરી સંબધિત જુના બીલ, રેકર્ડ રજીસ્ટરની કામગીરી પૂર્ણ કરીને તમામ રેકર્ડ સીવીલ શાખાને ટ્રાન્સફર કરવા જ‚રી આદેશ પણ કરી તેની અમલવારી તાકીદની અસરથી કરવા જણાવાયું છે. અત્રે નોંધનીય છે કે, શહેરની હદ અને વિસ્તાર વધવા છતાં મનપાના સેટઅપમાં મહત્વનો કોઇ ફેરફાર ન કરી કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓથી ગાડું ગબડાવામાં આવતા તેની ખૂબજ માઠી અસર મનપાની જુદી-જુદી કામગીરી, અધિકારીઓના સ્વાસ્થ્ય પર તો પડી રહી છે, સાથે સાથે શહેરનો વિકાસ થવાને બદલે ‚ંધાઇ રહ્યો છે. 

મનપા તમામ કર્મીઓને પોર્ટલ પર ફરજીયાત ૨૦ કલાકના લર્નીંગ કોર્સનો આદેશ:
જામનગર મહાનગરપાલીકાના તમામ કર્મચારીઓને પોર્ટલ પર ફરજીયાત ૨૦ કલાકના લર્નીંગ કોર્સનો આદેશ કરવામાં આવ્યો છે. મનપાના નાયબ કમિશ્ર્નરના તા.૩૦-૯-૨૦૨૬ના પરિપત્ર અનુસાર ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા અને કૌશલ્યમાં વધારો કરવા માટે આઇ-ગોટ કર્મયોગી ડીજીટલ પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યું છે. જામનગર મહાપાલીકા અંતર્ગત ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજીયાતપણે લર્નીંગ કોર્સ પૂર્ણ કરી લઘુતમ ૨૦ કલાકનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહેેશે. આ માટે મનપાના તમામ વર્ગ ૧,૨,૩ના કાયમી, કોન્ટ્રાકટ બેઇઝ, આઉટ સોર્સીંગ અધિકારી-કર્મચારીઓએ આઇ-ગોટ કર્મયોગી પોર્ટલ અથવા સબંધિત એપ્લીકેશન પર પોતાની નોંધણી કરાવાની રહેશે. આ પોર્ટલ પર ઉપલબ્ધ વિવિધ ઓનલાઇન કોર્સમાંથી પોતાની લાયકાત અને ફરજને અનુરૂપ કોર્સ પસંદ કરી પૂર્ણ કરવાના રહેશે. દરેક કર્મચારી માટે આઇ-ગોટ કર્મયોગી પોર્ટલ પર લઘુતમ ૨૦ કલાક પૂર્ણ કરવા અનિવાર્ય અને ફરજીયાત છે. તમામ ક્નટ્રોલીંગ અધિકારી, શાખાધિકારીઓએ પોતાના તાબા હેઠળના તમામ કર્મચારીઓ નિર્ધારિત સમયમર્યાદામાં ૨૦ કલાકની લર્નીંગ આવશ્યકતા પૂર્ણ કરે તેની ખાતરી કરવાની રહેશે. કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application