દેવભૂમિ દ્વારકા: ૧૬ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી
આરોપી મહેશ ઉર્ફે પ્રકાશ આસનદાસ ધનવાણીને રાજસ્થાનનાં જયપુરમાંથી ઝડપી પાડયો
દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળીયા ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા રાજ્યમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી તથા એમ.આર. સવસેટા એલ.સી.બી. ટીમ સાથે વર્કઆઉટમાં હતા.
તે દરમિયાન એ.એસ.આઇ. મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ પીંડારીયાને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સીસથી ચોક્કસ બાતમી મળી હતી કે, ખંભાળીયા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.રે.નં. ૧૩૪/૨૦૧૧ આઇપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબના છેતરપિંડીના ગુનામાં ઘણા લાંબા સમયથી નાસતો ફરતો આરોપી હાલ રાજસ્થાનના જયપુર ખાતે છે. આ ચોક્કસ માહિતીના આધારે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ખંભાળીયા પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક જયપુર ખાતે મોકલવામાં આવી હતી. જ્યાંથી ટીમે આરોપી મહેશભાઇ ઉર્ફે પ્રકાશભાઇ આસનદાસ ધનવાણી (ઉંમર વર્ષ ૪૧, ધંધો વેપાર, રહે. ૧૩૦-આર્યનગર, મુરલીપરા, જયપુર, રાજસ્થાન) ને પકડી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે તેને ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા તેમજ એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. વાળા, અને ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.કે. જાદવ જોડાયા હતા. આ સાથે જ એલ.સી.બી. સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ, એસ.ઓ.જી. સ્ટાફ તેમજ ખંભાળીયા, ભાણવડ અને કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આ કામગીરીમાં સાથે રહ્યો હતો.