ફટાકડામાં કરચોરી, જામનગરના વેપારી પાસેથી ૧૧ લાખના દંડની વસૂલાત

  • October 13, 2025 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયના જીએસટી વિભાગની એસજીએટીની ટુકડીઓએ જામનગર સહીત રાજયભરમાં ફટકાડાના વેપારી પર દરોડા પાડયા હતાં. જેમાં બીલ વગર ફટાકડાનું વેંચાણ કરી કરચોરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું હતું. જે અંતર્ગત જામનગરના વેપારી પાસેથી રૂ.૧૧ લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. જીએસટીના અધિકારીઓેએ ગ્રાહક તરીકે જુદા-જુદા સ્થળની મુલાકાત લીધા બાદ આ કાર્યવાહી કરી હતી.


જામનગર સહીત રાજયભરમાં ફટાકડાના વેપારીઓ દ્રારા બીલ વગર તથા ઓછું વેંચાણ દર્શાવી જીએસટીની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો જીએટી વિભાગને મળી હતી. જેના અધારે એસજીએસટીની ટુકડીઓએ જામનગર સહીત અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા, રાજકોટ, ગાંધીધામ,વલસાડ સહીત ૧૨ શહેરમાં સામૂહીક દરોડા પાડી ૬૯ સ્થળો પર તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં જીએસટી વિભાગના ૨૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતાં. તપાસ દરમ્યાન જામનગર સહીત અનેક સ્થળોએ ફટાકડાના સ્ટોકમાં મસમોટો તફાવત જોવા મળ્યો હતો.


આટલું જ નહીં બીલ વગર મોટાપાયે બીલ અને હીસાબમાં દર્શાવ્યા વગર ફટાકડાનું વેચાણ કરી કરચોરી કરવામાં  આવતી હોવાનું ખૂલ્યું હતું. જેમાં બીલ વગર કાચી ચિઠી આપી ફટાકડાનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ ખૂલ્યું હતું. ફટાકડાના જથ્થાબંધ વેપારીઓ દ્રારા નાના વેપારીઓને બીલ વગર ફટાકડાનું વેંચાણ કરી રૂ.૪.૩૩ કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં આવી હતી. આટલું જ નહીં રૂ.૧૬ કરોડની આનુસંગીક વેરાકીય જવાબદારી પણ શોધી કાઢવામાં આવી હતી.


 જામનગરમાં ફટાકડાના જાણીતા વેપારીને ત્યાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમ્યાન સ્ટોક તફાવત અને બીલ વગર વેંચાણ કરવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. આથી વેપારી પાસેથી નિયમ મુજબ રૂ.૧૧ લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. શહેરમાં રૂ.૧૧૨ કરોડના કૌંભાડની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં વધુ એક વખત એસજીએસટી દ્રારા ફટાકડાના વેપારીને ત્યાં તપાસ કરી કરચોરી પકડી પાડી દંડની વસૂલાત કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ સાથે દોડધામ મચી ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application