ખંભાળિયા: મીઠાપુરમાં કોન્ટ્રાક્ટર સાથે ૧૩.૬૦ લાખના મુદ્દામાલની છેતરપિંડી

  • May 09, 2026 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: ખંભાળિયા: મીઠાપુરમાં કોન્ટ્રાક્ટર સાથે ૧૩.૬૦ લાખના મુદ્દામાલની છેતરપિંડી

યુવાનનો મુદ્દામાલ સગેવગે કરવા સબબ ભત્રીજા અને મિત્ર જામનગરના શખ્સ સામે ફરિયાદ

જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો ૧૩.૬૦ લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે જામનગરમાં તિરૂપતિ પાર્ક-૨ વિસ્તારમાં રહેતા અને સરસ્વતી એન્જિનિયરિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ધર્મેન્દ્ર રામાધાર ગુપ્તા નામના ૪૬ વર્ષના યુવાને તેમના ભત્રીજા એવા બિહાર રાજ્યના રોહતાસ જિલ્લાના તુલોથુ વિસ્તારના રહીશ અમરનાથ અનિલ ગુપ્તા અને જામનગર ખાતે રહેતા તેમના મિત્ર હાર્દિક ગોસ્વામી સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૨૪-૨૫ના સમયગાળા દરમિયાન એમને મીઠાપુર ખાતે એક ખાનગી કંપનીમાં સ્ક્રાફ ફોલ્ડીંગ વર્કનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. જેમાં અહીં લોખંડ સહિતનો જુદો જુદો માલ રાખવામાં આવતો હતો. અહીં તેમણે સુપરવિઝન માટે તેમના ભત્રીજા એવા અમરનાથ ગુપ્તાને જવાબદારી સોંપી હતી.

ત્યાર બાદ વર્ષ ૨૦૨૪ના સમયગાળા દરમિયાન જામનગર ખાતે રહેતા હાર્દિક ગોસ્વામી સાથે ફરિયાદી ધર્મેન્દ્ર ગુપ્તાને મિત્રતા થઈ ગઈ હતી અને તારીખ ૬ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ હાર્દિકને તેઓ મીઠાપુરની કંપનીમાં કામ બતાવવા લઈ આવ્યા હતા અને ભત્રીજા અમરનાથની હાર્દિક સાથે ઓળખાણ કરાવી હતી. આ પછી યનકેન પ્રકારે અમરનાથ અને હાર્દિકે મળી અને કંપનીમાં રાખવામાં આવેલા આઠ ટન જેટલા ૨૫૦ નંગ લોખંડના પાઇપ, ૫૦ નંગ ઝાળી તેમજ અન્ય મુદ્દામાલની હેરાફેરી કરી અને સગેવગે કરી દીધો હોવાનું ખુલવા પામ્યું હતું. 

આમ, ફરિયાદીના મિત્ર તેમજ ભત્રીજાએ એકબીજાની મદદગારી કરી અને ૧૩,૬૦,૦૦૦ નો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મીઠાપુરના પી.આઈ. એસ.આર. ખરાડી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application