ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) રાજકોટ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે આરોગ્ય તપાસ શિબિર યોજાઈ

  • February 21, 2026 05:38 PM 

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) રાજકોટ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે આરોગ્ય તપાસ શિબિર યોજાઈ


મેગા હેલ્થ કેમ્પમાં એઇમ્સ રાજકોટના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ અને દવા વિતરણ


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આરોગ્યની પાયાની સુવિધાઓ છેવડાના માનવી સુધી પહોચાડવામાં આવી રહી છે : રાજ્યસભાના સાંસદ  કેસરીદેવસિંહ ઝાલા


શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત એટલે જ આપણી સાચી સંપતિ આપણું સ્વસ્થ રહેવું તે છે : ધારાસભ્ય મુળુભાઇ બેરા


આરોગ્યની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો

દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)- રાજકોટ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તથા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, યશસ્વી વડાપ્રધાનના  નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આરોગ્ય માળખું સશક્ત બન્યું છે. કોરોના જેવી મહામારી સમયમાં વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા જનહિત પગલાંઓ પરિણામે આપણે મોટી મહામારીનો સામનો કરી શક્યા. ત્યારે આરોગ્યની માળખાગત સુવિધાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે એક નવા અભિગમ સાથે એઇમ્સ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંયા માત્ર દર્દીઓની નિઃશુલ્ક તપાસ જ નહીં પણ જરૂરિયાત મુજબ દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. આમ, આજના આધુનિક સમયમાં સ્વાસ્થ્ય એ જ સાચી સંપતિ તેમ તેમણે ઉમેર્યું હતું. 

આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આજના ઝડપી યુગમાં દેશ જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે આરોગ્યની પાયાની સુવિધાઓ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવી કેન્દ્ર તથા રાજ્ય સરકારની નેમ છે. કહેવત છે કે "પહેલું સુખ તે જાતે નર્યા" એટલે જીવનમાં સૌથી મોટું સુખ સ્વસ્થ શરીર અને તંદુરસ્તી છે. જો માણસ પોતે જ તંદુરસ્ત ન હોય તો દુનિયાનું કોઈપણ ધન, સંપત્તિ કે વૈભવ તેને સાચું સુખ આપી શકતું નથી. 

વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશના છેવાડા માનવી સુધી આરોગ્યની પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. જેના પરિણામે આરોગ્યની સૌથી મોટી પી.એમ.જે.વાય યોજના અમલમાં મૂકી નાગરિકોના આરોગ્યની દરકાર લીધી છે. જ્યારે સરકાર આરોગ્યની દરકાર લઈ રહી છે ત્યારે આપણે સૌ નાગરિકોએ પણ આપણી ફરજો સમજીને આરોગ્યની તકેદારી લેવી જોઈએ. ઉપરાંત, હાલના સમયમાં રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એટલે આપણા ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ અને આરોગ્ય માટે સૌએ જાગૃત થવું જોઈએ.

રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોએ એઇમ્સ ખાતે પધારેલા નિષ્ણાત તબીબો દ્વારા તપાસણીની મુલાકાત લઈ દર્દીઓને આરોગ્યની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ તે અંગેનું નિરીક્ષણ કર્યું હતું. 

કાર્યક્રમમાં મહાનુભાવો શાબ્દિક સ્વાગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ચોબીસા અને આભારવિધિ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.પ્રકાશ ચાન્ડેગ્રા દ્વારા કરવામાં આવી હતી. 

એઇમ્સ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા સયુંકત ઉપક્રમે આયોજિત નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, અગ્રણી શ્રી પી.એસ.જાડેજા, એભાભાઈ કરમૂર, રસિક નકુમ, મિલન કિરતસતા, ઘનશ્યામસિંહ જાડેજા, પ્રતાપભાઇ પિંડારિયા તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી પરબત ગઢવી, સી.ડી.એમ.ઓ શ્રી લક્ષ્મણ કનારા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 
​​​​​​​

ઉલ્લેખનીય છે કે, મેગા હેલ્થ કેમ્પના ફેફસાં રોગો, હાડકા (ઓર્થોપેડીક), રેડિયેશન થેરાપી (કેન્સર માટે), આંખ (ઓફથેલેમોલોજી), ફિઝિયોથેરાપી (કસરત), બાળરોગ (પીડિયાટ્રિક્સ), પ્રસુતિ અને સ્ત્રીરોગ, ચામડીના રોગ, જનરલ મેડિસિન, કાન, નાક અને ગળા (ઈ.એન.ટી), માનસિક રોગ અને જનરલ સર્જરી જેવા વિવિધ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application