જામનગરમાં આર્થિક સંકળામણની ચિંતામાં યુવાનનો આપઘાત
દરેડમાં બિમારીના કારણે યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી
જામનગરના કલ્યાણ ચોકમાં રહેતા એક યુવાને કડીયાકામ બરાબર ચાલતુ ન હોય જેથી આર્થીક સંકળામણની ચિંતામાં દવા પીને આપઘાત કરી લીધો છે, જયારે દરેડ ખોલીમાં રહેતા પરપ્રાંતીય યુવાને બિમારીના કારણે ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયુ છે.
જામનગરના કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકમાં રહેતા કમલેશ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૩૩) નામના યુવાન છેલ્લા થોડા સમયથી કડીયાકામ બરાબર ચાલતુ ન હોય જેથી આર્થીક સંકળામણ અનુભવતા હતા જેના કારણે ચિંતામાં તા. ૧૬ના રોજ જી.જી. હોસ્પીટલ સામે હોટલ પાસે જાહેરમાં ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે કલ્યાણ ચોકમાં રહેતા શાકભાજી વેચતા ચંદ્રેશ કાનજીભાઇ પરમાર દ્વારા સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં મુળ રાજસ્થાનના બાડમેરના વતની હાલ દરેડ મસીતીયા રોડ પર ખોલીમાં રહેતા શ્રીરામ રત્નારામ શિયાગ (ઉ.વ.૨૧) નામના યુવાનને પાંચેક મહિનાથી માનસીક બિમારીની દવા ચાલુ હોય અને આ બિમારીના કારણે તા. ૧૬ રાત્રીના પોતાના રૂમમાં પંખામાં પ્લાસ્ટીકની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા એમ્બ્યુલન્સ મારફત જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ અંગે રત્નારામ દ્વારા પંચ-બીમાં જાણ કરવામાં આવી હતી.