જામનગરમાં કીટક જગતની ગેરમાન્યતા દૂર કરવા અનોખો કાર્યક્રમ, ૭૦ પ્રકૃતિપ્રેમી જોડાયા
પહેલ:પ્રથમ વખત યોજાયેલા રાત્રિ કીટક દર્શન કાર્યક્રમમાં તજજ્ઞોએ કીટકોના વૈવિધ્યપૂર્ણ વિશ્ર્વ, ઇકોલોજી અને સર્વેક્ષણ પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું
વર્તમાન સમયમાં વધતા જતા શહેરીકરણ, રાસાયણિક જંતુનાશકોનો આડેધડ ઉપયોગ અને કુદરતી આવાસના નાશને કારણે કીટકોની વસ્તીમાં ચિંતાજનક ઘટાડો
કુદરતના નિવસનતંત્રમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતી કીટક સૃષ્ટિના સંરક્ષણ અને જાગૃતિ અર્થે જામનગર વન વિભાગ દ્વારા પ્રથમ વખત સપડા નર્સરી ખાતે નાઇટ ઇન્સેક્ટ વોચ (રાત્રિ કીટક દર્શન) ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર તેમજ રાજકોટના નેચરાલિસ્ટ્સ, મેક્રો ફોટોગ્રાફર્સ, વાઇલ્ડલાઇફ એન્થુસિઆસ્ટ્સ તથા વન વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત આશરે ૭૦ જેટલા કીટક રસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ખાસ કાર્યક્રમ પાછળનો મુખ્ય આશય સામાન્ય જનમાનસમાં કીટક જગત વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરી સાચી તેમજ વૈજ્ઞાનિક સમજ કેળવવાનો હતો. સામાન્ય રીતે સમાજમાં કીટકોને માત્ર ઉપદ્રવકારક, પાકને નુકસાન પહોંચાડનારા કે ડંખ મારનારા જીવ તરીકે જોવામાં આવે છે. પૂરતી માહિતીના અભાવે લોકોમાં તેમના પ્રત્યે અણગમો કે ડર જોવા મળતો હોય છે. આ કાર્યક્રમ થકી સહભાગીઓને એ બાબતથી માહિતગાર કરવામાં આવ્યા હતા કે મોટાભાગના કીટકો માનવજાત કે પર્યાવરણ માટે નુકસાનકારક નથી, પરંતુ પૃથ્વી અને માનવ સહિતની તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય છે.
કાર્યક્રમમાં મુખ્ય તજજ્ઞ તરીકે પતંગિયા (બટરફ્લાય), ફુદાં (મોથ) તેમજ અન્ય કીટકોના ઊંડા અભ્યાસુ અને યુવા નેચરાલિસ્ટ શિવમ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સહભાગીઓના પરસ્પર પરિચય સાથે થઈ હતી. ત્યારબાદ શિવમ ભટ્ટ દ્વારા કીટક જગતની અદભુત દુનિયા અંગેનું એક વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કીટક કુળો, તેમની શારીરિક રચના, જીવનચક્રના વિવિધ તબક્કાઓ, આહાર તેમજ પર્યાવરણીય સંતુલનમાં તેમની મહત્વની ભૂમિકા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
કીટક નિરીક્ષણ અને અભ્યાસ માટેનું યોગ્ય સેટઅપ કેવી રીતે તૈયાર કરવું તે અંગે ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં લાઈટ ટ્રેપ, સ્વીપ નેટિંગ, ડીપ નેટિંગ, કિક નેટિંગ, પીટફોલ ટ્રેપ, મલાઈસ ટ્રેપ, ટ્રી બીટિંગ, બેઈટિંગ અને રોક ફ્લિપિંગ જેવી પદ્ધતિઓ, સર્વેક્ષણ માટેનો આદર્શ સમય તેમજ ફિલ્ડ દરમિયાન રાખવાની સાવચેતીઓથી સહભાગીઓને માહિતગાર કરાયા હતા. પ્રેઝન્ટેશન બાદ સહભાગીઓ સાથે સંવાદાત્મક પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. ત્યારબાદ તમામ ઉપસ્થિતોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં. કાર્યક્રમ દરમ્યાન ફિલ્ડ વિઝિટ હાથ ધરવામાં આવી હતી. જેમાં સહભાગીઓને સૌપ્રથમ સપડા ઘાસ વીડીની ઇકોસિસ્ટમ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ઇન્સેક્ટ વોચિંગ સેટઅપ ખાતે એકત્ર થયેલા વિવિધ રાત્રિ કીટકો અને તેમની પ્રજાતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાવીને તજજ્ઞ દ્વારા પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આજના સમયમાં વધતા જતા શહેરીકરણ, રાસાયણિક જંતુનાશકોનો આડેધડ ઉપયોગ અને કુદરતી આવાસના નાશને કારણે કીટકોની વસ્તીમાં ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે તે બાબતથી માહિતગાર કરીને, ઉપસ્થિત તમામ પ્રકૃતિપ્રેમીઓને પોતાના સ્તરે દેશી વૃક્ષો-છોડનું વાવેતર કરે, બગીચાઓમાં રાસાયણિક દવાનો ઉપયોગ ટાળે અને રાત્રિ દરમિયાન બિનજરૂરી પ્રકાશ ઘટાડીને કીટકોના કુદરતી સંવર્ધનમાં સહભાગી બનવા અનુરોધ કરાયો હતો. લોકોને કીટકોની સૂક્ષ્મ દુનિયાને માત્ર ભય કે નફરતથી નહીં, પરંતુ સહાનુભૂતિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જામનગર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જામનગર રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી બી. જે. ડોડીયા, વનપાલ વી. પી. બોપલીયા તથા જામનગર રેન્જ સ્ટાફ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
કીટકો પૃથ્વી પરના સમગ્ર નિવસનતંત્રની કરોડરજ્જુ સમાન, જંગલ માટે ખાસ જરૂરી:
કાર્યક્રમ દરમિયાન કીટકો દ્વારા નિવસનતંત્રમાં ભજવવામાં આવતા રોલ પર ભાર મુકીને તેની અગત્યતાથી તમામને માહિતગાર કરાવવામાં આવ્યા હતા. પરાગનયન આપણી ખેતી અને જંગલોના અસ્તિત્વ માટે પરાગનયન અત્યંત જરૂરી છે, જે મધમાખી, પતંગિયા, ભમરા અને અન્ય કીટકો દ્વારા જ શક્ય બને છે. પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવીઓ તેમજ નાના સસ્તન પ્રાણીઓ માટે કીટકો મુખ્ય આહાર સ્ત્રોત છે. કીટકો વિના સમગ્ર આહાર શૃંખલા ખોરવાઈ શકે છે. કુદરતી સફાઈકામ અને પોષક તત્ત્વોનું પુન:ચક્રણ: મૃત વનસ્પતિ અને પ્રાણીજન્ય કચરાને વિઘટિત કરી જમીનની ફળદ્રુપતા જાળવવામાં કીટકો કુદરતી સફાઈ કામદાર તરીકે અદ્ભુત ભૂમિકા ભજવે છે.અનેક માંસાહારી કીટકો અન્ય નુકસાનકારક જીવાતોનું ભક્ષણ કરી કુદરતી જંતુનાશક તરીકે કાર્ય કરે છે.
વંદા,ઉધઇ,પીછોરીયું,મધમાખી સહીતના જંતુઓ રસપ્રદ માહીતી અપાઇ:
વનવિભાગ દ્વારા યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં બ્લેટોડીઆ (વંદા-ઉધઈ), કોલીઓપ્ટેરા (ઢાલીયા જીવડા), ડેરમાપ્ટેરા (પિછોરીયું), ડિપ્ટેરા (માખીઓ), એફેમેરોપ્ટેરા (મેફ્લાય્સ), હેમીપ્ટેરા (જીવડાં), હાયમેનોપ્ટેરા (કીડી, મધમાખી, કાંડર), લેપીડોપ્ટેરા (પતંગિયા-ફુદાં), મેન્ટોડીયા (ખડમાકડી), ન્યુરોપ્ટેરા (એન્ટલાયન, લેસવિંગ વગેરે), ઓડોનાટા (વાણીયા), ઓર્થોપ્ટેરા (તીડ-તમરા) અને ટ્રાય્કોપ્ટેરા (કેડીસ ફ્લાય) જેવા વિવિધ પરિવારોની વિગતવાર માહિતી રસપ્રદ રીતે પૂરી પાડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોના-ચાંદીના ભાવ ધડામ, એક દિવસમાં રૂ.7,000 સુધીનો ઘટાડો, ચાંદી 2 લાખની નજીક આવી ગઈ
October 22, 2026 06:48 PMઓનલાઈન પરીક્ષામાં 75% માર્ક મેળવનારને જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકાર નવા નિયમો લાદવાની તૈયારીમાં
October 22, 2026 06:37 PM2 રૂપિયાનો શેર પૈસા છાપવાનું મશીન બન્યો, 1 લાખનું રોકાણ કરનારા કરોડપતિ બન્યા
October 22, 2026 06:29 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
