જામનગર: કાલાવડના ત્રણ વર્ષથી ગુમ થયેલા વ્યકિતની અમદાવાદમાંથી ભાળ મેળવી

  • August 10, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડના ત્રણ વર્ષથી ગુમ થયેલા વ્યકિતની અમદાવાદમાંથી ભાળ મેળવી 

પરિવાર સાથે મિલાપ કરાવતી કાલાવડ ટાઉન પોલીસ

કાલાવડ ટાઉન પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયેલા એક વ્યક્તિની અમદાવાદ ખાતેથી ભાળ મેળવી તેમને પરિવાર સાથે મિલાપ કરાવવામાં સફળતા મેળવી છે.

કાલાવડ ખાતે રહેતા અતુલભાઈ પરસોતમભાઈ ચીખલીયા, ઉંમર ૪૦ વર્ષ, તા. ૧૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ પોતાના ઘરેથી સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરવા જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ તેમનો મોબાઈલ ફોન બંધ આવતો હોવાથી પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. અતુલભાઈનો કોઈ પત્તો નહીં લાગતાં તેમના પત્ની કિરણબેન અતુલભાઈ ચીખલીયા દ્વારા કાલાવડ ટાઉન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. આ અંગે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ગુમ રજીસ્ટર નંબર ૦૨/૨૦૨૪, તા. ૧૨ જૂન, ૨૦૨૪થી ગુમ નોંધ દાખલ કરવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અગાઉ ઓપરેશન મિલાપ અંતર્ગત ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

જે અનુસંધાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ વનરાજભાઈ ઝાંપડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ સાવલીયાએ ગુમ થયેલા અતુલભાઈની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસ ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. ગુમ થયેલા અતુલભાઈના જૂના ફેસબુક આઈડીનું મોનિટરિંગ કરી તેમાં રહેલા ફ્રેન્ડ્સ તથા ફોલોઅર્સ સાથેના વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. દરમિયાન એક વીડિયોમાં અતુલભાઈ જોવા મળતાં પોલીસને મહત્વની કડી મળી હતી.

આ આધારે હ્યુમન તથા ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરતાં અતુલભાઈ અમદાવાદ ખાતે મજૂરી કામ કરતા હોવાની માહિતી મળી હતી. જેથી કાલાવડ ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક અમદાવાદના નરોડા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી અતુલભાઈ પરસોતમભાઈ ચીખલીયાને શોધી કાઢ્યા હતા.

પોલીસ દ્વારા તેમને કાલાવડ ખાતે લાવી તેમના પરિવારજનો સાથે મિલાપ કરાવવામાં આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણ વર્ષથી ગુમ થયેલા પરિવારના સભ્યને શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application