રિલાયન્સનું મિશન યુનિફોર્મઃ જામનગર-જૂનાગઢની ૬૩ શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

  • August 10, 2026 05:37 PM 

રિલાયન્સનું મિશન યુનિફોર્મઃ જામનગર-જૂનાગઢની ૬૩ શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પાંચ વર્ષ પૂર્વે ૧૪૦ ગ્રામીણ મહિલાઓને સીવણની તાલીમ આપી, ગણવેશ સિલાાઈનું કામ આપી આત્મનિર્ભર બનાવી : આ વર્ષે DDOના હસ્તે યુનિફોર્મ વિતરણ કરાયું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષથી ચાલી રહેલા 'મિશન યુનિફોર્મ'નો આ વર્ષે જામનગરના જિલ્લા વિકાસ અધિકારી નિશાબેનના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર અને જૂનાગઢ જિલ્લાની મળી કુલ ૬૩ સરકારી પ્રાથમિક શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓ મિશન યુનિફોર્મથી લાભાન્વિત થયા છે.

જિલ્લા વિકાસ અધિકારી (DDO) નિશાબેનના હસ્તે તાજેતરમાં મોટી ખાવડીની સરકારી પ્રાથમિક કન્યા-કુમાર શાળાના વિદ્યાર્થીઓને પ્રતીકરૂપે યુનિફોર્મ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે પોતાના ઉદ્દબોધના પ્રારંભે જ શિક્ષણ અને મહિલા સશક્તિકરણને એકસાથે પ્રોત્સાહન આપતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ સ્વાશ્રય પહેલને પ્રેરણાદાયી અને અનુકરણીય ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૧૪૦ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણની વ્યવસાયલક્ષી તાલીમ આપી હતી. જેમણે પ્રારંભિક તબક્કે મોટી ખાવડીની સરકારી કન્યા શાળાની ૪૦૦ વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ તૈયાર કરવાની શરૂઆત કરી આત્મનિર્ભરતા કેળવી હતી. આ પહેલ આજે પાંચ વર્ષના ટૂંકાગાળામાં વિસ્તરીને જામનગર જિલ્લાની ૫૭ અને જૂનાગઢ જિલ્લાની ૬ મળી કુલ ૬૩ સરકારી પ્રાથમિક શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું કે, આ સફળતા પાછળ સ્વાશ્રય જૂથની તાલીમાર્થી મહિલાઓની મહેનતની સાથોસાથ તેમના પરિવારજનોનો સહયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો છે.એટલું જ નહીં, પરિવારના પ્રોત્સાહન અને વિશ્વાસના કારણે જ મહિલાઓ આત્મનિર્ભરતા તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકી છે, તેમ જણાવી તેમણે રિલાયન્સના આ સ્વાશ્રય મહિલા સશક્તિકરણના અભિયાનમાં પરિવારજનોના અમૂલ્ય યોગદાનને તેમણે વિશેષ બિરદાવ્યું હતું.

જયારે, ઉપસ્થિત વિશાળ વિધાર્થી વર્ગને સંબોધતાં જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નિયમિત શાળાએ હાજરી આપવા, ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી. ખાસ કરીને તેમણે દીકરીઓને અભ્યાસ અધવચ્ચે ન છોડીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા હતા.મહત્વપૂર્ણ છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 'મિશન યુનિફોર્મ' પહેલ આજે માત્ર શાળા યુનિફોર્મ વિતરણ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સ્વાશ્રય થકી ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય વિકાસ, રોજગારી અને આત્મનિર્ભરતા સાથે જોડતું સફળ મહિલા સશક્તિકરણ મોડેલ બની છે. સાથોસાથ, શિક્ષણ અને સામાજિક વિકાસના ક્ષેત્રે આ પહેલ નોંધપાત્ર યોગદાન આપી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application