જામનગર: વોર્ડ નં. 12ના કોઝવે વિસ્તારની સફાઈ માટે કોર્પોરેટર સહારાબેન મકવાણાની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં, સ્થળ મુલાકાત લઈ કામગીરી શરૂ

  • June 06, 2026 10:57 AM 

જામનગર: વોર્ડ નં. 12ના કોઝવે વિસ્તારની સફાઈ માટે કોર્પોરેટર સહારાબેન મકવાણાનીવોર્ડ નં. 12ના કોઝવે વિસ્તારની, સ્થળ મુલાકાત લઈ કામગીરી શરૂ

ચોમાસાની ઋતુ નજીક આવતાં શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુચારૂ રહે અને નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વોર્ડ નં. 12ના કોગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે દર વર્ષે ભારે વરસાદ દરમિયાન શહેરના વિવિધ નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શહેરના ડ્રેનેજ નેટવર્ક, ગટરલાઈનો, વરસાદી પાણીના નિકાલના માર્ગો, નાળા તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સમયસર અને અસરકારક પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ખાસ કરીને વોર્ડ નં. 12ને જોડતા કાલાવડ નાકા પાસેનો પુલ હાલમાં નિર્માણાધીન હોવાથી ત્યાં ડાયવર્ઝન વ્યવસ્થા અમલમાં છે. ભારે વરસાદ દરમિયાન આ ડાયવર્ઝનને અસર પહોંચે તેવી સંભાવના હોવાથી મહારાજા સોસાયટીથી અન્નપૂર્ણા ચોકડી તરફ નદીના પટ પાસે આવેલ કોઝવે માર્ગ મહત્વના વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગી બની શકે છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે હાલ કોઝવેની નીચે અને આસપાસના વિસ્તારમાં મોટી માત્રામાં કચરો, ગંદકી, માટી તેમજ ઝાંખરા જમા થયેલા છે, જેના કારણે વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થવાની શક્યતા છે. જો સમયસર સફાઈ નહીં કરવામાં આવે તો ભારે વરસાદ દરમિયાન પાણીનો પ્રવાહ અટકી કોઝવેને નુકસાન પહોંચવાની તેમજ માર્ગ વ્યવહાર ખોરવાવાની સંભાવના રહેલી છે. આ માર્ગનો ઉપયોગ આસપાસના વિસ્તારોના હજારો નાગરિકો દૈનિક ધોરણે કરતા હોવાથી તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા વિનંતી કરવામાં આવી હતી.

કોર્પોરેટર સહારાબેન મકવાણાની રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાએ ત્વરિત કામગીરીના હુકમ કર્યા હતા. ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણાવા, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર કેતન કટેશિયા તથા તેમની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જરૂરી સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે સહારાબેન મકવાણાએ લોકહિતના પ્રશ્નને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રતિસાદ આપનાર કમિશનર દીપેશ કેડિયા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણાવા, કાર્યપાલક ઈજનેર કેતન કટેશિયા તેમજ મહાનગરપાલિકાની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે જરૂરી કામગીરી સમયસર પૂર્ણ થવાથી નાગરિકોને રાહત મળશે અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ સુચારૂ બની શકશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application