કોર્પોરેશન જુના પ્રોજેકટ પુરા કરવામાં આળસુ પુરવાર: કેટલીક યોજના નવા બજેટમાં પણ મુકાઇ

  • February 03, 2023 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકાનું ચાર આંકડાનું બજેટ પ્રથમ વખત મુકવામાં આવ્યું છે અને હવે સ્ટે.કમિટી આ બજેટમાં કેટલા સુધારા-વધારા કરે છે તેના ઉપર સૌની નજર છે, રૂ.૧૦૭૯.૪૦ના બજેટમાં ૫૩ કરોડના કરવેરા સુચવાયા છે, ખાસ કરીને પાણી વેરો ૧૧૫૦માંથી ૧૫૦૦ કરવામાં આવ્યો છે અને મિલ્કત વેરામાં પણ ૩૦ ટકા જેટલો વધારો સુચવાયો છે ત્યારે સ્ટે.કમિટીની આગામી સમયમાં મળનારી બજેટ બેઠકમાં ૧૦ થી ૧૫ ટકા વધારો પાછો ખેંચાય તેવી પણ શકયતા જોવા મળે છે. એટલું જ નહીં બાકીના કરો લગભગ યથાવત રહેશે, પ્રોપર્ટી ટેકસમાં ૩૨ કરોડ, વોટર ચાર્જમાં ૬ કરોડ, વ્હીકલ ટેકસમાં ૩.૧૭ કરોડ, સોલીડ વેસ્ટમાં ૨.૮૪ અને સ્ટ્રીટ લાઇટ યુસેઝ ચાર્જમાં રૂ.૫.૬૬ કરોડના મહત્વના વેરા નાખી દેવામાં આવ્યા છે પરંતુ કોર્પોરેશનના અગાઉના બજેટમાં પણ કેટલાક મહત્વના પ્રોજેકટો ટલ્લે ચડયા છે, ટાગોર હોલના ઠેકાણા નથી, ચાર-ચાર વર્ષથી બજેટમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ગાણુ ગાવામાં આવે છે, સાયન્સ સીટી બનાવવા માટે બાલ્કનજી બારીને પણ તોડી નાખવામાં આવી હતી, ખાસ કરીને જુના પ્રોજેકટો અને ઝડપથી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગણી છે. 


મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તમામ મહાનગર અને નગરપાલીકાઓ હવે થોડા વેરા વધારે તો જ શહેરનો વિકાસ થશે એટલે આ વખતે કોર્પોરેશનના પદાધિકારીઓ બહુ વેરા ઘટાડશે નહીં પરંતુ થોડી લોકપ્રિયતા માટે મિલ્કત વેરા ચાર્જ અને પાણી વેરા ચાર્જમાં થોડો ઘટાડવામાં આવે, મિલ્કત વેરામાં સ્લેબ મુજબ રૂ.૧૮૦ થી ૩૪૦ વધારવામાં આવ્યો છે અને સોલીડ વેસ્ટ કલેકશનમાં પણ રૂ.૬૦નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. 


મહાપાલિકાના પદાધિકારીઓ મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, સ્ટે.ચેરમેન મનીષ કટારીયા, ભાજપના શહેરના પ્રમુખ વિમલ કગથરા, મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી, ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ વચ્ચે થયેલી મીટીંગ બાદ મિલ્કત વેરા અને પાણી ચાર્જીસમાં આંશીક ઘટાડો કરવામાં આવે તેવી પણ શકયતા નજરે પડે છે. 


ગયા બજેટની વાત કરીએ તો રૂ.૨૦.૯૨ કરોડના ખર્ચે શરૂ સેકશન રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મહાનગરપાલિકા વિસ્તારમાં જનરલ બોર્ડ ભવન, રીંગ રોડ, સાયન્સ સીટી, રૂ.૪ કરોડથી વધુ ખર્ચે ટાઉનહોલ રીપેરીંગ, રૂ.૬૫ કરોડના ખર્ચે લાલપુર બાયપાસ ચોકડી ઓવરબ્રિજ અને હાપા વિસ્તારમાં ઓવરબ્રિજના પ્રોજેકટ હજુ શરૂ થયા નથી, પરંતુ આ વર્ષે જનરલ બોર્ડ, બિલ્ડીંગ, ટાઉનહોલ રીપેરીંગ અને બંને ઓવરબ્રિજ ઝડપથી શરૂ થઇ જશે તેવી ધારણા છે, જો કે ભુજીયા કોઠાનું કામ ૯૦ ટકા પૂર્ણ થઇ ગયું છે તે વાત આવકાર દાયક છે. 


મ્યુ.કમિશ્નરે સુચવેલા નવા બજેટમાં અત્યાધુનિક લાયબ્રેરી, મલ્ટીપપર્સ હોલ, ૫૪૪ આવાસ, ૭૫૦ શૌચાલય, બે નવા સિવીક સેન્ટર, બે નવા આરોગ્ય કેન્દ્ર, મેગા સ્માર્ટ મોડેલ સ્કુલ, વ્હોરાના હજીરા પાસે ચેકડેમ આ બધું નવા બજેટમાં સુચવાયું છે તે આવકારદાયક છે. જામનગરની હદ હવે ૧૩૨ કિ.મી.ની થઇ ગઇ છે, રંગમતી-નાગમતીના પટ્ટામાં મોરકંડા સુધી ૫-૫ નવી ટીપી સ્કીમ આગામી દિવસોમાં સરકાર મંજુર કરશે ત્યારે જામનગર શહેરનો વિકાસ ઝડપભેર થશે.


દર વખતે પાણી ચાર્જ અને મિલ્કત વેરો વધારવામાં આવે છે અને ત્યારબાદ આ વધારો ફગાવી દેવામાં આવે છે, લગભગ ચારેક વર્ષથી કોઇ નવો વધારો સુચવાયો નથી અને હવે શહેરના વિકાસ માટે થોડા ઘણા વેરા જરૂરી પણ છે, રાજકોટમાં રૂ.૧૦૦ કરોડનો નવો કરબોજ નાખવામાં આવ્યો છે અને ખાસ કરીને પાણી વેરામાં ત્રણ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. 


જામનગર શહેર સ્માર્ટ સીટી બને તે માટે કોર્પોરેશન પ્રયાસ કરી રહ્યું છે અને લોકોએ પણ તેમાં સહકાર આપવાની જરૂર છે, સ્ટેન્ડીંગ કમિટીમાં હવે આ બજેટ વિશે ચર્ચા થશે તે પહેલા સ્ટે.કમિટીના સભ્યો ચર્ચા-વિચારણા કરશે, બાકી તો ઉપરથી આદેશ થાય તે મુજબ નવા બજેટમાં થોડાઘણા કરદર ઘટાડવામાં આવે તેવું લાગે છે. જો કે વધુ કરદર નહીં ઘટાડાય તે વાત પણ નકકી છે. મહાપાલિકાના નવા વિસ્તારોમાં ૧૫માં નાણાપંચની યોજના હેઠળ પાણીની પાઇપલાઇન માટે અમૃત યોજના હેઠળ રૂ.૧૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે, સાતરસ્તાથી પમ્પહાઉસ અને સાતરસ્તાથી સોલેરીયમ, નવી ડીઆઇ પાઇપ બનાવાશે અને ફીલ્ટર પ્લાન્ટ તેમજ સ્કાડા સિસ્ટમ માટે રૂ.૧૩.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. 


મ્યુ.કમિશ્નરે સુચવેલા બજેટમાં ઝોન-૩માં રૂ.૫૪.૫૮ કરોડ, પેકેજ પાર્ટ-૧ અને પાર્ટ-૨માં ૨૨.૪૫ કરોડ એમ સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટરની લાઇનો નાખવામાં આવશે, આમ જોઇએ તો નાઘેડી, સમર્પણ, કર્મચારીનગર, ઢીચડા, મંગલધામ વિસ્તારમાં સુએજ પમ્પીંગ સ્ટેશન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સરકારે રૂપિયા મંજુર કર્યા છે અને નવા ૪ પમ્પીંગ સ્ટેશનો પણ ઝડપથી થાય તો શહેરનો ઝડપી વિકાસ થશે. જામનગર શહેરમાં જ રૂ.૧૭.૮૧ કરોડના ખર્ચે સી.સી.રોડ અને પેવીંગ બ્લોક, રૂ.૧.૧૬ કરોડના ખર્ચે બે નવા આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ હોલ અને સ્નાનઘાટ બનાવવા માટે રૂ.૩ કરોડ, એનીમલ સેલ્ટર માટે રૂ.૫૦ કરોડ અને બે ફાયર સ્ટેશન માટે રૂ.૨૩ કરોડ ફાળવાયા છે, જો કામો ઝડપથી પુરા થાય તો તેનો લાભ લોકોને મળી શકે, આમ સ્ટે.કમિટીની બેઠકમાં થોડા સુધારા સાથે બજેટ મંજુર કરી દેવામાં આવશે તેમ લાગે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application