જામનગર: રાજપાર્ક નજીક જૂના મકાનની છત ધરાશાયી : દંપતી સહિત ત્રણને ઇજા
જામનગર શહેરના રાજ પાર્ક નજીક આવેલા રંગમતી પાર્ક શેરી નં. ૨ માં ગઇકાલે બપોરના અરસામાં એક જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતાં દંપતી અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ત્વરિત બચાવ કામગીરીથી જીવતા બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગતો મુજબ, આશરે ૪૦થી ૪૫ વર્ષ જૂના મકાનમાં પ્રતાપગિરિ ગોસાઈ (ઉ.વ. ૬૧), તેમના પત્ની ડોલીબેન પ્રતાપગિરિ ગોસાઈ (ઉ.વ. ૫૪) અને પુત્ર સાગર પ્રતાપગિરિ ગોસાઈ (ઉ.વ. ૨૭) હાજર હતા. તે દરમિયાન અચાનક મકાનની છત ધરાશાયી થતાં ત્રણેય કાટમાળ નીચે દબાઈ ગયા હતા. પ્રતાપગિરિ ગોસાઈ પર છતનો મોટો ભાગ પડતાં તેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં નજીકમાં રહેતા ફાયર બ્રિગેડના નિવૃત્ત કર્મચારી સુરેશભાઈ ચૂડાસમાએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર ઓફિસર જસ્મીન ભેંસદડીયા, ઉમેશ ગામેતી સહિત પાંચથી વધુ ફાયર જવાનો રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર દોડી આવ્યા હતા, અને ભારે જહેમત બાદ કાટમાળ હટાવી પ્રતાપગિરિ ગોસાઈને જીવતા બહાર કાઢ્યા હતા.
ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા પડોશીઓ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત બનેલા પ્રતાપગિરિ ગોસાઈ, ડોલીબેન ગોસાઈ અને સાગર ગોસાઈને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સમયસર આવી પહોંચી હતી, જેઓએ પ્રાથમિક સારવાર આપી દીધી હતી, ત્યારબાદ ત્રણેયને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઇમરજન્સી સેવાની સમયસર કામગીરીને કારણે કાટમાળ નીચે દબાયેલા પ્રતાપગિરિ ગોસાઈને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.