જામનગર ના પ્રદર્શન મેદાનમાં મશીન મનોરંજન ની રાઇડનું યાંત્રિક કમિટી દ્વારા નિરીક્ષણ કરાયું
આગામી શુક્રવારના ૨૩ તારીખથી મશીન મનોરંજન ની રાઈડ નો થશે પ્રારંભ
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળા નું આયોજન કરાયું છે, અને ૨૦ ઓગસ્ટ થી ૩ સપ્ટેમ્બર સુધી યોજવા માટેનું આયોજન કરાયું છે. દરમિયાન આજે સવારે જામનગર જિલ્લા કલેકટર દ્વારા આયોજિત મેળા કમિટી દ્વારા મશીન મનોરંજન ની રાઈડની યાંત્રિક ચકાસણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ યાંત્રિક રાઈડ ચાલુ કરવા માટેના કેટલાક નિયમોમાં ફેર બદલાવ કરાયો છે, અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરતા પહેલાં અનેક પ્રકારની મંજૂરીઓ મેળવવાની રહેતી હોય છે, તે અંગેની જરૂરી ચકાસણી આજે કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા કલેકટર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મેળા કમિટીના અધ્યક્ષ પાણી પુરવઠા બોર્ડના અધિકારી નીતિન ગોઠી ની રાહબરી હેઠળ આર.એન.બી. વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરી શ્રી છૈયા, તથા જુનિયર ઈજનેર ધવલ દેવમુરારી, ઇન્ડસ્ટ્રીયલ વિભાગના અધિકારી યોગેશ પેન્ડાલ, પોલિટેકનિક કોલેજના અધિકારી એ.એમ. ગલાણી, ઈલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હરેશ લગારીયા, પીજીવીસીએલના નાયબ ઇજનેરવઅજય પરમાર, ફાયર બ્રિગેડ શાખાના જે. એન રાજગોર, ઉમેદ ગામેતી, કામિલ મહેતા, સજુભા જાડેજા, અને ઉપેન્દ્ર સુમડ સહિત ની ટીમ દ્વારા સમગ્ર મેળાની યાંત્રિક રાઈડ ની તમામ પ્રકારે ચકાસણી કરવામાં આવી હતી, અને ચાર્ટર એન્જિનિયર તેજસ ઝાલા ની પણ મદદ લેવામાં આવી હતી. જેનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, અને આગામી ૨૩ તારીખના શુક્રવાર થી મેળા મેદાનમાં યાંત્રિક રાઈડ શરૂ થઈ જશે, તેમ જાણવા મળી રહ્યું છે.