જામનગર : નગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડી હડફેટે વિદ્યાર્થીને ઇજા

  • February 14, 2026 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં કચરા ગાડીઓના કરોડોના કોન્ટ્રાક હોવા છતા એક યા બીજા કારણોસર વિવાદ અને આક્ષેપો થતા રહે છે, કચરા ગાડીના કારણે અકસ્માતોના બનાવો પણ છાસવારે બને છે તેમ છતા કોર્પોરેશનના તંત્ર દ્વારા પગલા લેવામાં ન આવતા કાર્યરીતી સામે સવાલો ઉઠયા છે, બે દિવસ પહેલા નુરી ચોકડી પાસે કચરાગાડીના ચાલકે એકટીવાને હડફેટે લઇ માતા-પુત્રીને ઇજા પહોચાડી હતી એ પહેલા પણ કચરાગાડીના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો દરમ્યાનમાં હાપા ઓવરબ્રીજ પાસે બેફામ ગતીએ આવેલી કચરાગાડીના ચાલકે વિધાર્થીને હડફેટે લઇને ઇજા પહોચાડયાનો બનાવ સામે આવ્યો છે.


જામનગરમાં હાપા ઓવરબ્રિજ ઉપર આજે સવારે કચરા ગાડીના ચાલકે બારમા ધોરણના એક વિદ્યાર્થીને હડફેટમાં લઈ તેના બંને પગ ભાંગી નાખતાં ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા હસ્તકની કચરા ગાડી, કે જેના ચાલકો માતેલા સાંઢની જેમ શહેરમાં વાહનો ચલાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કચરા ગાડીના કારણે હડફેટે આવી ગયાનો ત્રીજો બનાવ બન્યો છે.


હાપા વિસ્તારમાં રહેતો શિવ રાઠોડ નામનો વિદ્યાર્થીને ઓવરબ્રીજ પાસે કચરાગાડીના ચાલકે હડફેટે લઇને પગમાં ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી. 


આ અંગે પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને આ અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જેની પાસે લાયસન્સ પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાના તંત્રએ આવા બેફામ ગતીએ વાહન ચલાવનાર વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ, તેવી માંગ ઉઠી છે.


શહેરમાં કચરાગાડીના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે આ બાબતે યોગ્ય પગલા લેવા જરૂરી બન્યા છે, સુત્રોમાંથી એવી પણ વિગતો જાણવા મળી છે કે ઘણી કચરાગાડીઓ હજુ પણ નંબર વીના દોડી રહી છે અને ઓવરલોડ હોય છે જેના કારણે અન્ય સમસ્યાઓ પણ જન્મે છે ગાડીઓમાં પાસીંગ થયુ છે કે કેમ તે પણ તપાસ માંગી લેતો મુદો છે.


ગાડીઓના ડ્રાઇવરો પાસે લાયસન્સ છે કે કેમ ઉપરાંત સમયાંતરે ચેકીંગ કરવામાં આવતુ નથી, બેફામ ગતીએ કચરાગાડીઓ દોડી રહી છે અને નિર્દોશ લોકો હડફેટે આવતા હોવાની પણ વિગતો સામે આવતી રહે છે અત્રે નોંધનીય છે કે મહાનગરપાલીકા દ્વારા કરોડોના ખર્ચે કચરાનો કોન્ટ્રાક અપાય છે અને સમયાંતરે આ બાબતે આક્ષેપો થતા રહે છે તેમ છતા અસરકાર પગલા લેવામાં આવતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application