ચોમાસાને બે મહીના બાકી, હાલારમાં ફકત ૧૭.૩૭ ટકા વરસાદ..!

  • August 10, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસાને બે મહીના બાકી, હાલારમાં ફકત ૧૭.૩૭ ટકા વરસાદ..!


ચિંતા અને મૂંઝવણ: ગત વર્ષની સરખામણીએ ૮ ઓગષ્ટની સ્થિતિએ જામનગર જિલ્લામાં ૨૭.૨૭ ટકા અને દ્વારકા જિલ્લામાં ૪૭.૪૯ ટકા વરસાદની ઘટ


૫૫ દી માં જામનગર જિલ્લામાં ફકત ૨૮.૫૦ ટકા અને અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬.૨૪ ટકા સરેરાશ વરસાદ, બંને જિલ્લામાં મેઘમહેર નહીં થાય તો જળસંકટ ઘેરૂ બનવાની ભીતિ


ચોમાસાને હવે ફકત બે મહીના બાકી છે ત્યારે હાલારમાં અત્યાર સુધી ફકત ૧૭.૩૭ ટકા સરેરાશ વરસાદ થતાં ખેડૂતોની સાથે લોકો ચિંતા સાથે મૂંઝવણ અનુભવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ૮ ઓગષ્ટની સ્થિતિએ જામનગર જિલ્લામાં ૨૭.૨૭ ટકા અને દ્વારકા જિલ્લામાં ૪૭.૪૯ ટકા વરસાદની ઘટ પ્રર્વતી રહી છે. વિવિધત ચોમાસાના આગમન બાદ ૫૫ દીવસમાં જામનગર જિલ્લામાં ફકત ૨૮.૫૦ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬.૨૪ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. આથી જો બંને જિલ્લામાં મેઘમહેર નહીં થાય તો જળસંકટ ઘે‚ં બનવાની ભીતિ નકારી શકાતી નથી. 


હાલારમાં ચાલુ વર્ષે મેઘરાજાએ રૂસણા લેતા વરસાદમાં ભારે વિલંબ થયો છે. આથી બંને જિલ્લામાં પાક અને પાણીની સ્થિતિ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૫ જૂન બાદ બંને જિલ્લામાં વિધિવત ચોમાસાનું આગમન થયું છે. પરંતુ ભારે મેઘાડંબરની સ્થિતિ વચ્ચે પણ વરસાદ ખેંચાયો છે. ગત વર્ષ ૧૫ જૂનથી ૮ ઓગષ્ટ સુધીમાં જામનગર જિલ્લામાં સરેરાશ ૫૫.૭૭ ટકા એટલે કે મોસમનો અડધાથી પણ વધુ વરસાદ વરસી ચૂકયો હતો. જયારે ચાલુ વર્ષે  આ સમયગાળા સુધીમાં જામનગર જિલ્લામાં માત્ર ૨૮.૫૦ ટકા સરેરાશ વરસાદ થતા ૨૭.૨૭ ટકાની ઘટ પ્રર્વતી રહી છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો સ્થિતિ વધુ કપરી છે. કારણ કે, ગત વર્ષે ૧૫ જૂનથી ૮ ઓગષ્ટ સુધીમાં દ્વારકા જિલ્લામાં ૫૩.૭૩ ટકા સરેરાશ વરસાદની સરખામણીએ ચાલુ વર્ષે ફકત ૬.૨૪ ટકા વરસાદ વરસ્યો હોય પાક અને પાણીના ચિત્ર સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. ચોમાસાને હજુ બે મહીના બાકી છે. ત્યારે જો બંને જિલ્લામાં પૂરતી મેઘમહેર નહીં થાય તો જળસંકટ ઘેરૂ બનાવની શકયતા નકારી શકાતી નથી.હાલમાં પણ નર્મદાના નીર આર્શીવાદ સમાન બન્યા છે. ત્યારે આગામી દીવસોમાં વરસાદની ઘટ પૂર્ણ થાય તેની રાહ ખેડૂતોની સાથે લોકો પણ જોઇ રહ્યા છેે.


બંને જિલ્લામાં વરસાદ ખેંચાતા હાલમાં મુખ્ય જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે.બીજી બાજુ પિયતની સુવિધા ધરવાતા ખેડૂતોએ આગોતરૂ તો અન્ય ખેડૂતોએ બે રાઉન્ડમાં આંશિક વરસાદ થતાં વધુ મેઘમહેર થશે તે આશાએ વાવેતર કર્યું છે. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે. હવામાન વિભાગ દ્વારા શનિ-રવિ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે જામનગર જિલ્લામાં વરસાદની આશા બંધાઈ હતી, પરંતુ આગાહી વચ્ચે પણ જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. 

​​​​​​​પરિણામે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના તમામ નોંધાયેલા કેન્દ્રો પર શૂન્ય મી.મી. વરસાદ નોંધાયો છે. 


વરસાદના બીજા રાઉન્ડ બાદ સપ્તાહથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોની નજર ફરી એક વખત આકાશ તરફ મંડાઈ છે. વાદળો ઘેરાય, પવન ફૂંકાય અને વરસાદના સંજોગો સર્જાય છતાં મેઘરાજા વરસતા ન હોવાથી લોકોમાં ચિંતા સાથે વરસાદની કાગની ડોળે રાહ જોવાઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application