દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું કરાયું વિમોચન
‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યોનું આલેખન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે યોજાયેલ આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાના વરદહસ્તે કરાયું હતું.
જિલ્લા માહિતી કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા સંપાદિત અને જિલ્લા આયોજન અધિકારીની કચેરી દ્વારા સંકલિત કરાયેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત વિકાસ વાટિકા પુસ્તિકામાં વર્ષ ૨૦૨૫-૨૬માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનોની માહિતી અને જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, વિકાસ કાર્યોના અહેવાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તિકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે ઉપયોગી બની રહેશે.
વિકાસ વાટિકા વિમોચન પ્રસંગે ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.જોશી, ધારાસભ્ય સર્વે મુળુભાઇ બેરા તથા હેમંતભાઈ ખવા, જિલ્લા આયોજન અધિકારી ઝેડ.એ.બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખઓ અને અન્ય પદાધિકારીઓ અને અગ્રણીઓ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.