જામનગર: કાલાવડ નજીક માલવાહક ગાડી પલ્ટી ખાતા યુવાનનું મોત
કાલાવડના ટોડા નજીક ગઇકાલે બપોરે મારૂતી સુઝુકી સુપર કેરીના ગાડીચાલકે બેદરકારીથી ચલાવીને પલ્ટી ખવડાવી દેતા તેમા બેઠેલા એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું.
જુનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર-સોરઠના પરા વિસ્તારના જાહીદ ભીખુભાઇ ગોરી (ઉ.વ.૪૮) નામના આધેડે ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં સુપર કેરી ગાડી નં. જીજે૧૧વીવી-૬૬૭૦ના ચાલક રાણપુર સોરઠ ખાતે રહેતા અસલમ અબ્દુલભાઇ સોલંકી સામે ફરીયાદ નોંધાવી હતી.
ગઇકાલે બપોરના પોણા બે વાગ્યાના સુમારે કાલાવડ-જુનાગઢ રોડ ટોડા ગામ નજીક ગાડી ચાલકે બેદરકારી અને જોખમી રીતે ચલાવી રોડની નીચે ગાડી પલ્ટી જતા ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠેલા પરા વિસ્તારના સોહીલ જાહીદભાઇ ગોરી (ઉ.વ.૨૩) નામના યુવાનને ગંભીર ઇજાઓ થતા કાલાવડ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું.
આમ ગાડીના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી મૃત્યુ નિપજાવી ગુનો કર્યો હતો. ફરીયાદ આધારે પીએસઆઇ ઠાકોર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.