સદગુરૂ ક્રેડિટ કો-ઓપ. સોસાયટીમાંથી લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક રિટર્નનાં કેસમાં અદાલતે દંપતીને ભાવેશ ચોટાઈ અને સંધ્યાબેનને ૧-૧ વર્ષની કેદની સજા અને ચેકની બમણી રકમનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, ભાવેશભાઈ કિશોરભાઈ ચોટાઈ અને સંધ્યાબેન ભાવેશભાઈ ચોટાઈએ સદગુરૂ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી લી.માંથી સભાસદ દરજ્જે લોન લીધી હતી. જે લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ દંપતીને વકીલ મારફતે નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે નેગોસીએબલ એકટ હેઠળ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સદગુરૂ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી લી.ના એડવોકેટ દિવ્યેશ રૂડકિયા દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તેમજ વડી અદાલતનાં ચુકાદાઓ ધ્યાને લઈ ૧૦મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.ડી. પાધ્યાએ ભાવેશ કિશોરભાઈ ચોટાઈ અને સંધ્યાબેન ભાવેશભાઈ ચોટાઈને તકસીરવાર ઠરાવી ૧-૧ વર્ષની સાદી કેદ અને ફરીયાદીને ચેકની બમણી રકમનો દંડ કરેલ તથા ચેક મુજબની રકમની દોઢ ગણી રકમ વળતર ફરીયાદીને ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.