BREAKING NEWS

જામ્યુકોના ફાયર વિભાગને ૧૦ નવા અત્યાધુનિક વાહનોની ફાળવણી

  • September 16, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોના ફાયર વિભાગને ૧૦ નવા અત્યાધુનિક વાહનોની ફાળવણી 


જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં આગ સહિતની આકસ્મિક આપત્તિના સમયે નાગરિકોની જાનમાલની સુરક્ષા વધુ સુદૃઢ બને તે હેતુથી  મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના કાફલામાં ૧૦ નવા અત્યાધુનિક વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજી અને જરૂરી સાધન-સામગ્રીથી સજ્જ આ નવા વાહનોના કારણે આગ તથા અન્ય આપત્તિના બનાવોમાં ફાયર વિભાગની રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વાહન ફિટનેસ તથા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત છેલ્લા વર્ષ દરમિયાન જામનગર ફાયર સર્વિસના મુદત પૂર્ણ કરી ચૂકેલા ૧૪ જેટલા જૂના વાહનોને કાયદેસર રીતે સેવામુક્ત કરવામાં આવ્યા હતા. જૂના વાહનોના સ્થાને ફાયર અને ઇમરજન્સી સેવાઓને વધુ સક્ષમ બનાવવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા નવા અત્યાધુનિક વાહનોની ખરીદી કરવામાં આવી છે. નવા કાફલામાં ૪ વોટર બાઉઝર, ૩ મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર, ૨ મિની ફાયર ટેન્ડર અને ૧ ટોયોટા હાઇલેક્સ કોન્વોય વ્હીકલનો સમાવેશ થાય છે. આમ, કુલ ૧૦ નવા વાહનો ફાયર વિભાગના કાફલામાં ઉમેરવામાં આવ્યા છે.જામનગર શહેરમાં સાંકડા અને ગીચ માર્ગો ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારો તથા હાઇરાઇઝ ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિ સર્જાય ત્યારે સ્થળ પર ઝડપથી પહોંચી જરૂરી રાહત-બચાવ કામગીરી હાથ ધરવી પડતી હોય છે. નવા વાહનોના સમાવેશથી આવી પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમને વધુ સક્ષમ અને આધુનિક સાધનો સાથે કામગીરી કરવાની સુવિધા મળશે.મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સલામતી, જાનમાલનું રક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન સેવાઓને વધુ સજ્જ તથા આધુનિક બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા વાહનોનો કાફલામાં સમાવેશ પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application