BREAKING NEWS

આટકોટ પાસે ગાડીમાંથી ૧૦૦ લીટર ડિઝલની ચોરી: ડ્રાઇવર- હોટલ સંચાલક સામે ફરિયાદ

  • October 01, 2025 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમરેલીની શીતલ કુલ પ્રોડટક નામની કંપનીનું વાહન લઇ રાજકોટ ફેરો કરવા ગયેલા કંપનીના ડ્રાઇવરે રસ્તામાં રાજકોટ- આટકોટ હાઇવે પર ગાડીમાંથી ૧૦૦ લીટર ડિઝલ કાઢી હોટલ સંચાલકને ૭૦૦૦ હજારમાં વેચી દીધુ હતું. જે અંગે કંપનીના કર્મચારી દ્વારા અને હોટલ સંચાલક સામે ફરિયાદ નોંધવવામાં આવી છે.


અમરેલીમાં એમેજોન સોસાયટી પ્લોટ નંબર 13 માં રહેતા દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ 29) દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમરેલીમાં સંધી સોસાયટીમાં રહેતા ફઝલ આરીફભાઈ મજેઠીયા અને કમલેશ ખોડાભાઈ ભરવાડના નામ આપ્યા છે. દિગ્વિજયસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શીતલ કુલ પ્રોડક્ટ લી. અમરેલી ખાતે ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળે છે અને આ શીતલ કુલ પ્રોડક્ટમાં અમરેલીના તમામ વાહનોનું વહીવટ તેઓ સંભાળે છે. આ ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ કંપનીની કુલ 87 ગાડીઓ ચાલે છે કંપનીની ઇકો મેટ ગાડી નંબર જીજે 14 એકસ 5456 આરોપી ફઝલ મજેઠીયા છેલ્લા એક વર્ષથી વર્ધીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને તેને અલગ અલગ ગાડીઓમાં વર્ધી આપવામાં આવે છે.


ગઇ તા. 28/9 રાત્રિના નવેક વાગ્યે આસપાસ ફઝલને રાજકોટની વર્ધી આપી હતી જેથી ફઝલ શીતલ કુલ પ્રોડક્ટ લી. ની ઇકો મેટ નંબર જીજે 14 એક્સ 5456 લઈને રાજકોટ ડીલેવરી કરવા માટે નીકળ્યો હતો. બાદમાં તા. 30/9 ના સવારના પાંચેક વાગ્યા આસપાસ રાજકોટ ડીલેવરી કરીને પરત અમરેલી આવ્યો હતો અને તેણે કંપનીના પંપથી પોતે વર્ધી કરીને પરત ગાડીમાં ડીઝલ પુરાવવવું જરૂરી જણાતા રૂ. ૧૬ હજારનું 202 લીટર ડીઝલ પુરાવ્યું હતું. સામાન્ય રીતે અમરેલીથી રાજકોટ આવવામાં ડીઝલ આટલું થતું ન હોય જેથી આ બાબતે ફરિયાદીએ આ ડ્રાઇવરની પુછપરછ કરી હતી.


ડ્રાઇવર ફજલે કહ્યું હતું કે તેણે રાજકોટ-આટકોટ હાઇવે રોડ પર બળધોઇ ગામના પાટીયા નજીક આવેલ જય ખોડીયાર હોટલ ખાતે સંચાલક કમલેશ ખોડાભાઈ ભરવાડને ગઈ તા. 29/9/2025 ના રાત્રીના 11 એક વાગ્યે સો લીટર ડીઝલ કાઢી હોટલ સંચાલક કમલેશ ભરવાડને રૂ.7,000 માં વેચી દીધું છે તેવી હકીકત જણાવતા ફરિયાદીએ આ વાત તેમના શેઠ દિનેશભાઈ દકુભાઈ ભુવા (રહે. અમરેલી) ને કરી હતી અને બાદમાં ફરિયાદ નોંધાવાનું નક્કી કરતા આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં કંપનીએ તેમના ડ્રાઇવર ફઝલ આરીફ ભાઈ મજેઠીયા અને હોટલ સંચાલક કમલેશ ખોડાભાઈ ભરવાડ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application