BREAKING NEWS

સીધી ભરતીથી પસંદગી પામેલા 11 ને કાર્યપાલક ઈજનેર તરીકે પોસ્ટિંગ અપાયું

  • December 11, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં કાર્યપાલક ઇજનેરોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી પડી છે અને તેના કારણે વહીવટી કામગીરીને વિપરીત અસર થઈ રહી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા પછી સરકારે સીધી ભરતીથી પસંદગી પામેલા 11ને કાર્યપાલક ઇજનેરીના પોસ્ટિંગ આપ્યા છે.

સરકારે જે 11 અધિકારીઓને કાર્યપાલક ઇજનેરના પોસ્ટિંગ આપ્યા છે તેમાં રાજકોટને બે અને એક ભાવનગરને નવા કાર્યપાલક ઇજનેર મળ્યા છે.

ગુજરાત સરકારના નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપસચિવ (સેવા) દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલા હુકમોમાં જણાવાય મુજબ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરનાર ગુજરાત ઇજનેરી સેવા વર્ગ એકના કાર્યપાલક ઇજનેર સિવિલ સંવર્ગના 11 ઇજનેરોને ગાંધીનગર ખાતે તાલીમ આપવામાં આવી હતી અને તે તાલીમ પૂરી થયા પછી હવે તેમને રેગ્યુલર પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

રાજકોટમાં સિંચાઈ યોજના વર્તુળ હેઠળની જુનાગઢ સિંચાઈ યોજના વિભાગ માટે મોઈન મહમદભાઈ પાંચાને મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે રાજકોટ સિંચાઈ યોજના વર્તુળ હેઠળના સૌની યોજના વિભાગમાં નવા કાર્યપાલક ઈજનેર તરીકે અંકિત મનસુખલાલ પીનારાની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ હેઠળના જળસંચન વિભાગમાં નરેન્દ્ર અરવિંદભાઈ તરસરીયાને કાર્યપાલક ઇજનેર તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરા ગાંધીનગર મોડાસા પાલનપુર વાપી અને સુરતમાં કાર્યપાલક ઇજનેરોની જગ્યા ભરી લેવામાં આવી છે. આ સંદર્ભે સરકાર દ્વારા કરવામાં આવેલા હુકમમાં જણાવ્યા મુજબ આ ઈજનેરોએ નિમણૂકની જગ્યાએ હાજર થવા તાત્કાલિક અસરથી ફરજ મુક્ત થવાનું રહેશે અને હાલની જગ્યા માંથી ફરજ મુક્ત થયા પછી નવી જગ્યાએ ચાર્જ સંભાળે ત્યારે તુરત જ ઈમેલથી વિભાગને જાણ કરવાની રહેશે. સાથે સાથ સીટીસીની નકલ પણ વિભાગને મોકલવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application