હાલ ગુજરાતમાં સામાન્ય ઝાપટાથી મુશળધાર વરસાદના સમાચાર આપણે મીડિયા, સોશિયલ મીડિયા પર જોઈએ છીએ. પણ શું ખબર છે કે વરસાદના કેટલા પ્રકાર છે. તો તમને જણાવી દઈએ કે વરસાદના કુલ 12 પ્રકાર છે. જેમાં અનરાધાર, હેલી જેવા શબ્દો આપણે અવારનવાર સાંભળીએ છીએ પણ ઢેફાભાંગ, પાણ મેહ, મોલ મેહ વરસાદના પ્રકાર છે. આ નામો આપણે સામાન્ય રીતે ઓછા સાંભળતા હોઈએ છીએ. કેટલો વરસાદ પડે તો વરસાદનો ક્યો પ્રકાર કહેવાય તે વિશે તમને જણાવીશું.
વરસાદના 12 પ્રકાર
1 ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
2 છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
3 ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
4 કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
5 પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
6 નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
7 મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
8 અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
9 મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
10 ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
11 પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
12 હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.