ભાણવડ: બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, ૧૨૦૦ લીટર આથો ઝડપાયો, આરોપી ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશ વિસ્તારમાં સ્થાનિક ગુના શોધક શાખાએ એક મોટી કાર્યવાહી હાથ ધરીને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર સફળ રેઇડ કરી છે. પોલીસ ટીમે સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા તેમજ એલ.સી.બી.ની ટીમો કાર્યરત હતી.
આ દરમિયાન એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઈ બેરા અને પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રામણીનેશમાં આવેલા સાકરોજા તળાવથી પશ્ચિમ દિશા તરફના ડુંગર ઉપર મોટા પથ્થરોની આડમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી છે. આ ચોક્કસ હકીકતના આધારે પોલીસે ડુંગરાળ વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવાનો અંદાજે ૧૨૦૦ લીટર કાચો આથો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે, પોલીસની રેઇડ દરમિયાન ધ્રામણીનેશ (તા. ભાણવડ)નો રહેવાસી આરોપી સુકાભાઇ પરબતભાઇ રબારી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પોલીસે ફરારી જાહેર કર્યો છે.
આ મામલે પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાએ ફરિયાદ રિપોર્ટ આપતા હેડ કોન્સ્ટેબલ વી.ડી. બેરાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે અને ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સફળ કામગીરી કરનાર એલ.સી.બી.ની ટીમમાં આઈસી/પીઆઈ એન.એચ. જોષી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા તેમજ અન્ય સ્ટાફના સભ્યો જોડાયા હતા.