તુર્કીમાં ફક્ત 24 કલાકમાં શાળામાં ગોળીબારની બે ઘટના બની હતી. જેમાં બીજી ઘટનામાં એક 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં નવ લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા હતા. આ ઘટના તુર્કીના દક્ષિણપૂર્વ પ્રાંત કહરામનમારસમાં બની હતી, અને પ્રાંતીય ગવર્નર મુકર્રમ ઉનલુઅર ઘટનાસ્થળે હાજર હતા, જેમણે પત્રકારોને ઘટના વિશે સમજાવ્યું. તેમણે કહ્યું કે હુમલાખોર તેના બેકપેકમાં શાળામાં એક હથિયાર લાવ્યો હતો, અને તે હથિયાર તેના પિતાનું હતું.
સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે મૃતકોમાં આઠ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. ગવર્નરે જણાવ્યું હતું કે હુમલાખોર પણ માર્યો ગયો છે. હુમલાનું પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તુર્કી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હુમલાખોર બે વર્ગખંડોમાં પ્રવેશ્યો હતો અને તેની પાસે પાંચ બંદૂકો અને સાત મેગેઝિન હતા. તુર્કીના એક પત્રકારે જણાવ્યું હતું કે, ગોળીબારનો અવાજ ખૂબ જ જોરથી આવતો હતો, જેના કારણે શાળાની સામે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
મંગળવારે તુર્કીની એક શાળામાં પણ આવી જ ઘટના બની હતી. એક વ્યક્તિ શાળામાં ઘૂસીને ગોળીબાર કરતો જોવા મળ્યો હતો. આ ઘટના દક્ષિણપૂર્વ તુર્કીની એક હાઇ સ્કૂલમાં બની હતી, જ્યાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો હતો, જેમાં 16 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક ગવર્નર હસન શિલદાકે જણાવ્યું હતું કે હુમલાખોર, જે લગભગ 18 કે 19 વર્ષનો હોવાનું માનવામાં આવે છે, તેને પોલીસે શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું.
તે પહેલાં, તેણે શોટગનથી આડેધડ ગોળીબાર કર્યો અને પછી તે જ હથિયારથી આત્મહત્યા કરી લીધી હતી. તેમણે કહ્યું કે ઘાયલોમાં 10 વિદ્યાર્થીઓ, ચાર શિક્ષકો, એક કેન્ટીન કર્મચારી અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 09:30 વાગ્યે સિવેરેક જિલ્લાની અહમત કોયુન્કુ વોકેશનલ એન્ડ ટેકનિકલ એનાટોલિયન હાઇ સ્કૂલમાં બની હતી. ત્યારબાદ શાળા ખાલી કરાવવામાં આવી હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી પાંચને બાદમાં વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.