મનપાના અધિકૃત વાહનમાં કચરો આપી સ્વચ્છતા જાળવવા લોકોને અનુરોધ
રૂ.૧૪.૪૦ લાખના દંડની વસૂલાત, નિયમભંગ કરનારનાં નામ જાહેર કરાશે
જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક નાગરિકો અને વેપારીઓ દ્વારા મનપાના વાહનમાં કચરો આપવાને બદલે જાહેર સ્થળો, ખુલ્લા પ્લોટ અને અન્ય ખુલ્લી જગ્યાઓમાં કચરો ફેંકવામાં આવતો હોવાથી સ્વચ્છતા અભિયાન સામે પડકાર ઊભો થઈ રહ્યો છે. આવી બેદરકારી દાખવનારા સામે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
મહાનગરપાલિકા દ્વારા રહેણાંક અને કોમર્શિયલ એકમોનો કચરો ડસ્ટબીનમાં એકત્રિત કરી ડોર ટુ ડોર કચરા કલેક્શનના વાહનમાં જ આપવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે. તેમ છતાં જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિ ચાલુ રહેતાં તંત્ર દ્વારા આવા આસામીઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા દોઢ માસ દરમિયાન આશરે ૧,૩૦૦ આસામીઓ પાસેથી કુલ રૂ. ૧૪.૪૦ લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, હવે પછી કોઈ વ્યક્તિ કે વેપારી પોતાના ઘર અથવા દુકાનનો કચરો મનપાના અધિકૃત વાહનમાં આપવાને બદલે જાહેરમાં કે અન્ય સ્થળે ફેંકશે તો તેની સામે વધુ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત નિયમોનો ભંગ કરનારા આસામીઓની વિગતો સોશિયલ મીડિયા તેમજ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. શહેરની સ્વચ્છતા જાળવવી એ માત્ર મહાનગરપાલિકાની જ નહીં, પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે. જાહેર સ્થળોએ કચરો ફેંકવાથી ગંદકી ફેલાવાની સાથે જાહેર આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. ત્યારે રહેવાસીઓ અને વેપારીઓ પોતાના એકમોનો કચરો માત્ર મનપાના અધિકૃત કચરા કલેક્શન વાહનમાં જ આપે અને આસપાસ સ્વચ્છતા જાળવવા મનપાએ અનુરોધ કર્યો છે.