જામનગર: લાલપુર અને કાલાવડ પંથકમાં પવન ચક્કીમાંથી ૧૪૬ મીટર કોપર વાયરની ચોરી
અલગ-અલગ બનાવમાં રૂ.૮૭૬૦૦ સબબ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
અલગ અલગ કંપનીઓની પવનચક્કીઓને નિશાન બનાવામાં આવતા ચકચાર
જામનગર જિલ્લામાં આવેલી પવનચક્કીઓને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી બે અલગ અલગ સ્થળોએથી અર્થિંગના કોપર વાયર ચોરી કરી જતાં લાલપુર તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનોમાં બે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે.
લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાયડી ગામની સીમમાં નોંધાયો છે. વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીની અલગ અલગ ચાર પવનચક્કીઓના ટ્રાન્સફોર્મર ઉપરથી અંદર જતા અર્થિંગના કોપર કેબલ વાયર કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કંપની તરફથી ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ કરશનભાઈ નાથાભાઈ પાથરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ કુલ ૯૨ મીટર કોપર વાયર, જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૫,૨૦૦ થાય છે, તે ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજો બનાવ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધુનધોરાજી ગામ નજીક અશાબાપીરની દરગાહ પાસે આવેલી વીન્ડ વર્લ્ડ ક્લીન એનર્જી્ ફોરેવર પ્રા. લિમિટેડ કંપનીની પવનચક્કીઓ ખાતે બન્યો હતો. કંપનીની ત્રણ અલગ અલગ પવનચક્કીઓના ટ્રાન્સફોર્મરના બહારના ભાગેથી તળીયા તરફ જતો લીલા કલરના કવરવાળો કોપર અર્થિંગ વાયર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ કુલ ૫૪ મીટર કોપર વાયર, જેની કિંમત અંદાજે રૂ.૩૨,૪૦૦ થાય છે, તે ચોરી કરી લઈ જવામાં આવ્યો હતો.આ બંને બનાવોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધી પોલીસે અજાણ્યા ચોર ઇસમોને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરી છે.