પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. વિશ્વભરમાં ટાઇલ્સ નિકાસ કરતા મોરબીના એકમો અત્યારે અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહ્યા છે. નિકાસમાં અવરોધ, શિપિંગના તોતિંગ દરો અને ઇંધણની અછતને કારણે ઉદ્યોગ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે મુંદ્રા અને કંડલા પોર્ટથી નિકાસ માટે મોકલેલા મોરબીના અંદાજે 1,500 જેટલા કન્ટેનરો પશ્ચિમી દેશોમાંથી પરત આવ્યા છે. શિપિંગ લાઈનો દ્વારા દરિયાઈ માર્ગો બંધ થતા અથવા જોખમી બનતા આ માલ પરત ખેંચવો પડ્યો છે. આને કારણે ઉદ્યોગકારોને બેવડો ફટકો પડ્યો છે.
શિપિંગ કંપનીઓએ પરત આવેલા કન્ટેનરો પર 500થી 3,500 ડોલર સુધીનો વધારાનો સરચાર્જ વસૂલ્યો છે. પરત આવેલા માલ પર લાખો રૂપિયાનો ડેમરેજ (વિલંબ શુલ્ક) અને દંડ ભરવાનો વારો આવ્યો છે. સ્થાનિક ઉદ્યોગકારોના મતે, પ્રત્યેક કારખાનેદારને પાંચ લાખથી લઈને બે કરોડ રૂપિયા સુધીનો આર્થિક ફટકો પડ્યો છે.
આ કપરા સમયમાં ઉદ્યોગકારોને ટેકો આપવા માટે કેપેકસીએલના સિરામિક ડિવિઝનના ચેરમેન નિલેશ જેતપરિયાએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી હતી. જેના પરિણામે ભારત સરકારે અસરગ્રસ્ત એક્સપોર્ટરો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, લાયક એક્સપોર્ટરોને વધુમાં વધુ 50 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. આ નિર્ણયથી જે એકમો કરોડોનું નુકસાન વેઠી રહ્યા છે તેમને આર્થિક ટેકો મળવાની આશા છે.
સિરામિક ઉત્પાદનમાં ઇંધણ તરીકે વપરાતા પ્રોપેન અને નેચરલ ગેસની સપ્લાય ચેઈન યુદ્ધને કારણે ખોરવાઈ છે. ગેસની અછત અને ભાવમાં અસ્થિરતાને કારણે ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે મોરબી સિરામિક એસોસિએશને આગામી એક મહિના સુધી તમામ કારખાનાઓ બંધ રાખવાનો ઐતિહાસિક સામૂહિક નિર્ણય લીધો છે. હાલમાં 600થી વધુ કારખાનાઓ બંધ હાલતમાં છે.
કારખાનાઓના વિશાળ શેડ હવે ક્રિકેટ મેદાનમાં ફેરવાયા
ઉત્પાદન અને નિકાસ અટકી જતાં મોટાભાગના કારખાનાઓમાં સન્નાટો વ્યાપી ગયો છે. બંધ પડેલા 450થી વધુ કારખાનાઓના વિશાળ શેડ હવે ક્રિકેટ મેદાનમાં ફેરવાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો કામકાજના અભાવે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. જે કારખાનાઓ ચાલુ છે, તે પણ કાચા માલ અને ગેસની અછતને કારણે ગમે ત્યારે બંધ થાય તેવી સ્થિતિમાં છે.
શિપિંગ ભાડામાં અનેકગણો વધારો
મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારિયાના જણાવ્યા અનુસાર, યુદ્ધની અસર માત્ર મિડલ ઈસ્ટ સુધી મર્યાદિત નથી. યુએસ સહિતના પશ્ચિમી દેશોમાં થતી નિકાસ પર પણ બ્રેક વાગી છે. શિપિંગ ભાડામાં અનેકગણો વધારો થતા પશ્ચિમી દેશોમાં એક્સપોર્ટ બિઝનેસ લગભગ ઠપ્પ થઈ ગયો છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો મોરબીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાની પકડ ગુમાવવી પડી શકે છે. હાલમાં ઉદ્યોગકારો મશીનરીના મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા છે અને યુદ્ધ વિરામ થાય તેની રાહ જોઈ રહ્યા છે. જો યુદ્ધ લાંબુ ખેંચાશે, તો મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે ટકી રહેવું એક મોટો પડકાર બની રહેશે.