BREAKING NEWS

ગોમટા પાસે આવેલી કોરોવા ફેકટરીમાંથી ૧૫૮ કિલો શંકાસ્પદ ધીનો જથ્થો ઝડપાયો

  • March 03, 2026 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલમાં ગોમટા ચોકડી પાસે આવેલ કોરોવા મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન અહીંથી 150 લીટર શંકાસ્પદ લુઝ ઘી તથા 108 લિટર પ્રસંગ દેશી ગાયનું ઘી મળી 1.59 લાખનો જથ્થો સીલ કરી તેનું સેમ્પલ રિપોર્ટ માટે મોકલ્યો હતું. આ ઉપરાંત પોલીસે અહીંથી પનીર અને દૂધના નમૂના પણ રિપોર્ટ માટે મોકલ્યા છે. ઘીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લાના લોકોના આરોગ્યને ધ્યાને લઈ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં તત્વો સામે સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે સૂચનાના અનુસંધાને એસઓજી પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી.

દરમિયાન પીએસઆઇ પી.બી. મિશ્રા તથા તેમની ટીમના એએસઆઇ વિપુલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે એસોજીની ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના સિનિયર ફૂડ સેફટી અધિકારી એસ.પી. સોલંકીની સાથે રાખી નેશનલ હાઇવે ગોમટા ચોકડી ગોંડલ ખાતે આવેલી કોરોવા મિલ્ક પ્રોડક્ટ લિમિટેડ કંપનીમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન અહીં ફેક્ટરીના સંચાલક મુકેશભાઈ જનકભાઈ હાજર હોય તેની હાજરીમાં પોલીસે અહીંથી 150 લીટર શંકાસ્પદ છૂટું (લુઝ) ઘી કિં. રૂ. 93000 તથા 108 લિટર પ્રસંગ દેશી ગાયનું ઘી કિં.રૂ.66,962 મળી કુલ રૂપિયા 1,59,962 નો જથ્થો સીલ કર્યો હતો. આ શંકાસ્પદ ઘીના સેમ્પલ પૃથક્કરણ માટે મોકલી દેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અહીં કોરેવા મિલ પ્રોડક્ટ લિમિટેડમાં દૂધ સંબંધિત ખાદ્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ આ પ્રોડકટ શંકાસ્પદ હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલના તબક્કે માત્ર ઘી સીલ કરવામાં આવ્યું છે. જ્યારે આ ઉપરાંત અહીંથી દૂધ અને પનીરના નમૂના પણ સેમ્પલિંગ માટે મોકલવામાં આવ્યા છે.

આ કામગીરીમાં એસઓજીના પીઆઇ એફ.એ.પારગી, પીએસઆઇ પી.બી. મિશ્રા તથા એએસઆઇ વિપુલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બહાદુર, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, નૈમીષભાઈ મહેતા સાથે રહ્યા હતા.


મહારાષ્ટ્ર રાજસ્થાન કાશ્મીર સહિતના રાજ્યોમાં અહીંથી સપ્લાય થતી હતી

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોમટા ચોકડી પાસે આવેલી કોરોવા મિલ્ક પ્રોડક્ટની ખાદ્ય પ્રોડક્ટોનું માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતી હતી. મહારાષ્ટ્ર રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં અહીંથી પ્રોડક્ટ સપ્લાય કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application