અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. માત્ર છ મહિના અગાઉ જ સગીરાના લગ્ન થયા હતા, પરંતુ લગ્નજીવનમાં સર્જાયેલા અણબનાવ અને પતિના વિયોગના કારણે આખરે તેણે આ અત્યંત દુઃખદ અને કરૂણ પગલું ભર્યું હતું. આપઘાત કરતા પહેલા સગીરાએ એક ભાવુક વીડિયો પણ બનાવ્યો હતો. જે વીડિયો અને પરિજનોની રજૂઆતના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે સગીરાના પતિ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, નારોલમાં રહેતા દીકરીના પિતાએ આક્ષેપ કર્યો છે કે તેમની ૧૭ વર્ષની દીકરીને ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને પરિવારોની સંમતિથી છ મહિના અગાઉ સગીરાના લગ્ન ફરદીન સાથે કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ સગીરા પોતાના પતિ સાથે આણંદ ખાતે રહેતી હતી. જોકે, લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે નાની-મોટી બાબતોને લઈને રકઝક અને વિવાદો શરૂ થઈ ગયા હતા. ગત ત્રીજી ઓગસ્ટના રોજ પતિ ફરદીને સગીરાને કોઈ અગમ્ય કારણસર આણંદ સ્થિત ઘરમાંથી કાઢી મૂકી હતી, જેથી લાચાર બનીને સગીરા નારોલમાં પોતાના પિતાના ઘરે પરત ફરવા મજબૂર બની હતી.
સાસરેથી પરત આવ્યા બાદ સગીરા પોતાના પિતાના ઘરે સતત ઉદાસ અને દુઃખી રહેતી હતી. ૧૦ ઓગસ્ટના રોજ જ્યારે સગીરા અને તેની માતા ઘરે હાજર હતા, ત્યારે સગીરા પોતાના લગ્નનો આલ્બમ જોઈને સતત રડી રહી હતી. પતિ પ્રત્યેનો પ્રેમ અને લગ્નજીવન બચાવવાની આશા સાથે તેણે ફરદીનને ફોન કરીને કરગરીને આજીજી કરી હતી કે, "તું જે રીતે કહીશ તે રીતે હું રહીશ, પરંતુ મને તારી પાસે પાછી આવવા દે." આમ છતાં, પાષાણહૃદયી ફરદીને તેને પરત સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પતિના આ ઇનકારથી ભાંગી પડેલી સગીરા વધુ દુઃખી થઈને રડવા લાગી હતી.
ત્યારબાદ સવારે ૧૧ વાગ્યાના સુમારે સગીરાએ પોતાની માતાને "મને ગભરામણ થાય છે, બહાર જઈને આવું છું" તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી નીકળીને તે સીધી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી હતી. ત્યાં નદીના કિનારે ઊભા રહીને તેણે એક વિડીયો રેકોર્ડ કર્યો હતો, જેમાં પતિને ઉદ્દેશીને તેણે અત્યંત દર્દનાક શબ્દોમાં કહ્યું હતું કે, "મારો આત્મા તો પહેલા જ મરી ગયો હતો, આજે હું પણ મરી જઈશ." આ વીડિયો તેણે પોતાની બહેનને વોટ્સએપ પર મોકલ્યો હતો અને તુરંત જ સાબરમતી નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. વીડિયો મળતા જ પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો અને તેમણે તાબડતોબ સગીરાની શોધખોળ શરૂ કરી હતી.
બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે સાબરમતી નદીમાં એક અજાણ્યો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે કલાકોની જહમત બાદ નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. જેની ઓળખ ગુમ થયેલી સગીરા તરીકે થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી પરિજનોને સોંપ્યો હતો. સગીરાએ આપઘાત કરતા પહેલા બનાવેલા આખરી વીડિયોના મજબૂત પુરાવાના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તેના પતિ ફરદીન વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.