જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ૧૨ દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, બે વખત તો લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં આવી ગયું હતું, આજે થોડી રાહત છે, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી રોગચાળાનું પ્રમાણ સારૂ એવું વઘ્યું છે, બે યુવાન અને એક વૃઘ્ધાને ટાઇફોઇડની અસર જોવા મળી છે જયારે જી.જી.હોસ્પિટલમાં ૭૦ અને ખાનગી હોસ્પિટલમાં ૧૦૦થી વધુ કેસ જોવા મળ્યા છે જેમાં ૨ દિવસમાં ૭ દર્દીને તાવના કારણે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જામનગર શહેરમાં ઠેર-ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. કોર્પોરેશન દ્વારા કોઇ ખાસ પગલા લેવામાં આવતા નથી. બીજી તરફ ગામડાઓમાં રોગચાળો વઘ્યો છે, સીએચસી અને પીએચસી કેન્દ્રોની ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓ જોવા મળ્યા છે અને જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં પણ સામાન્ય તાવના કેસ જોવા મળ્યા છે.
જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં આજે તાવ, શરદી, ઉધરસના દર્દીઓ દવા લેવા આવ્યા હતાં જેમાં ૭૦થી વધુ દર્દીઓને તાવ હોવાનું ખુલ્યું હતું, ઉપરાંત ૭ દર્દીઓને બે દિવસમાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એસ.ટી. પર એક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક ગામડાના દર્દીને અને જામનગરના બે દર્દીને ટાઇફોઇડ થયો હોવાનું બહાર આવ્યું છે, જેમાં એક વૃઘ્ધાનો સમાવેશ થાય છે, બપોરના ૧૧ થી ૫ ગરમી તેમજ સવાર-સાંજ ઠંડીનો માહોલ જોવા મળે છે, તેના કારણે કફ, પીત અને શરદીના દર્દીઓ વધી ગયા છે. જી.જી.હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના ૧૦૦ જેટલા કેસ નોંધાયા હતાં, શનિ-રવિમાં રજા બાદ આજે સોમવારે ઓપીડીમાં કેસ વઘ્યા છે.
ડોકટરોના જણાવ્યા મુજબ ગરમ પાણી, હળદર, આદ, મધ લેવાથી શરદી, ઉધરસમાં સારી એવી રાહત થાય છે, જયારે ગામડાઓમાં પણ તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન હસ્તકના ૧૨ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પણ સામાન્ય કરતા ૩૫ ટકા જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસના જોવા મળ્યા છે. આ તમામને શીરપ અને શરદીની દવાઓ આપવામાં આવે છે.
આગામી દિવસોમાં પણ ઠંડી વધુ પડવાની પણ શકયતા છે ત્યારે તાવ, શરદી, ઉધરસના કેસો વધશે તેમ મનાય છે અને ડોકટરોના કહેવા મુજબ સવાર અને સાંજ હુંફાળુ ગરમ પાણી પીતા રહેવું જોઇએ જેના કારણે આ પ્રકારના કેસોમાં થોડો ઘણો ઘટાડો થાય. આમ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ ફરીથી માથુ ઉંચકયું છે. લાખાબાવળ, અલીયાબાડા, નવા નાગના, કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, લાલપુર અને દ્વારકા, વિજરખી, થાવરીયા, સિકકા સહિતના ગામોમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધતા રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે. આમ રોગચાળો વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ રોગચાળો નાથવા માટે કોઇ ઠોસ કદમ લેવાય તે જરૂરી છે.
જામનગર શહેરમાં તમામ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધી ગયો છે છતાં પણ કોર્પોરેશન દ્વારા ફોગીંગ મશીન કે ડીડીટનો કોઇ ઉપયોગ કરાતો નથી જેને કારણે મચ્છરોનો ત્રાસ વધુ જોવા મળે છે, આ અંગે તાત્કાલીક અસરથી કોર્પોરેશને વ્યવસ્થા કરવી જોઇએ તેવું લોકોનું કહેવું છે. કેટલાક લોકોને પાંચ-પાંચ દિવસ સુધી તાવ આવે છે, પરંતુ નબળાઇ વધુ રહે છે તેવું ડોકટરનું કહેવું છે.