BREAKING NEWS

દ્વારકા છે કે દિવ...? ૪૮ કલાકમાં દારૂના પોણા બસ્સો કેસ

  • September 24, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા છે કે દિવ...? ૪૮ કલાકમાં દારૂના પોણા બસ્સો કેસ 

દારૂબંધીના દાવાઓ સામે ઉઠ્યા સળગતા સવાલો : જીલ્લામાં સતત બીજા દિવસે સધન કાર્યવાહીથી ચકચાર: ૨૪ કલાકમાં વધુ ૭૬ કેસ..! 

ગુજરાતમાં કાગળ પર દારૂબંધી હોવાના સરકારી દાવાઓની વાસ્તવિકતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવ વિપરીત ચિત્ર રજૂ કરી રહી છે. તાજેતરમાં તા.૨૨-૦૯-૨૦૨૬ના રોજ પોલીસ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં એક જ દિવસમાં ૯૮ જેટલા પ્રોહિબિશનના કેસો નોંધાયા બાદ, તા.૨૩-૦૯-૨૦૨૬ના રોજ પણ માત્ર ૨૪ કલાકના ગાળામાં જિલ્લાભરમાંથી પ્રોહિબિશન ધારા હેઠળ વધુ ૭૬ જેટલા ગુનાઓ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આટલા મોટા પાયે સતત બીજા દિવસે દારૂના કેસો સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ પવિત્ર ભૂમિ ખરેખર ગુજરાત રાજ્યમાં જ આવેલી છે કે પછી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જેવો વિસ્તાર બની ગઈ છે ?

એક તરફ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં દારૂનું વેચાણ કરનારા, સંગ્રહ કરનારા તેમજ પીધેલી હાલતમાં ફરતા તત્ત્વોને ઝડપી લેવામાં આવ્યા હોવાથી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. પરંતુ આ કામગીરીની સાથે જ શાસન અને વ્યવસ્થા સામે અનેક સળગતા સવાલો ઉભા થયા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વારંવાર ગુજરાતને સંપૂર્ણ નશામુક્ત બનાવવાની જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે જગત મંદિર દ્વારકાધીશની પાવન ભૂમિ પર આટલા મોટા પ્રમાણમાં દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી અને કોની રહેમનજર હેઠળ ઘૂસી રહ્યો છે? શું પોલીસ અને સરહદી સુરક્ષા તંત્રની આંખો નીચેથી બુટલેગરો બેરોકટોક રીતે પોતાના નેટવર્ક ચલાવી રહ્યા છે? જો લોકો દારૂ પીને બિન્દાસ્ત વાહનો હંકારતા હોય અને ગલીએ-ગલીએ છૂટક દેશી કે ઇંગ્લિશ દારૂ વેચાતો હોય તો સરહદો અને ચેકપોસ્ટો પર થતું ચેકિંગ કેટલું અસરકારક છે તે પણ એક મોટો પ્રશ્ન છે.

તાજેતરના પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પર નજર કરીએ તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોથી માંડીને હાઈવે અને દરિયાકાંઠાના બંદરો સુધી દારૂનું દૂષણ ફેલાયેલું જોવા મળે છે. વાડીનાર મરીન વિસ્તારના ભરાણા ગામ, ભાણવડ ટાઉનમાં એસ્સાર પેટ્રોલ પંપ પાસે, રામેશ્વર પ્લોટ, મોડપર ગામના બસ સ્ટેન્ડ પાસે, સેવક દેવરીયા ગામ, ભેનકવડ પાટિયા પાસે, રૂપામોરા ગામની સીમ તથા પીરની દરગાહ પાસે,  જામ રોજીવાડાના પાટિયા પાસે તેમજ આંબરડી ગામના ગરબી ચોક વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂના કેસો નોંધાયા છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામ, ચંદ્રાવાડા ગામની લીલવા વાડી વિસ્તાર,ભાટીયા ગામના વિવિધ રહેણાંક વિસ્તારો, બાંકોડી ગામ, જોધપુર ઉપાધ્યાય ગામ, કાનપર શેરડીથી ભાડથર જતા રસ્તા પર, ભાટીયાની દ્વારકાધીશ સોસાયટી, મેઇન ગેટ અને ખડકીનાકા પાસે તેમજ રાવલ ગામના હનુમાનધાર અને ચૌહાણફળી વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર કેફી પ્રવાહીનું વેચાણ અને હેરાફેરી પકડાઈ છે.

તેવી જ રીતે યાત્રાધામ દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં રૂપેણબંદર ચેકપોસ્ટ પાસે, રાણેશ્વર ફાટક અને બરડીયા ગામની ફાટક પાસેના જાહેર માર્ગો પરથી દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયા છે. સલાયા મરીન પોલીસ મથક હેઠળ અહેમદનગર ઝૂંપડપટ્ટી પાસે આવેલી કરિયાણાની દુકાન, સલાયા ચેકપોસ્ટ, જૂના પોલીસ સ્ટેશન વિસ્તાર, પરોડીયા વાડી વિસ્તાર, દખણાદા બારા ગામ અને ઉગમણા બારા ગામમાંથી દારૂનો જથ્થો મળ્યો છે. ખંભાળીયા શહેરના શક્તિનગર, ટેલિફોન એક્સચેન્જ પાસે, શક્તિનગર પાણીના ટાંકા નજીક, ધરાનગર ગોવિંદ તળાવ વિસ્તાર, સલાયા ચાર રસ્તા પાસે, કણઝાર રોડ, પોરબંદર રોડ ટાઉન હોલ સામે, ધંધુસર ગામ તેમજ જૂની કોર્ટ પાસેના જાહેર માર્ગો પરથી આરોપીઓ દારૂ સાથે કે પીધેલી હાલતમાં ઝડપાયા છે. મીઠાપુર અને ઓખા પંથકમાં પણ સ્થિતિ ચિંતાજનક રહી છે, જેમાં સૂરજકરાડી એસ.બી.આઈ. બેન્ક સામે, ગોરીયારી ગામના બસ સ્ટેન્ડ પાસે, આરંભડા ગામના રબારી પાડા, નેવી ગેટ સામે ઈન્દિરા પ્લોટ, ૬૬ કે.વી. સબ સ્ટેશન નજીક, સૂરજકરાડીના બસ સ્ટેન્ડ, રામાપીર મંદિર પાસે, લોહાણા મહાજન વાડી આસપાસ, નવનીત હોટલ રોડ, ભીમરાણા ગામની રાજનગર સોસાયટી, રેલવે સ્ટેશન પાછળ, કૃષ્ણનગર સોસાયટી અને ધડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની બદી સામે આવી છે. જ્યારે ઓખા મરીન પોલીસ સ્ટેશન હેઠળ ઓખા આર.કે. બંદર મેઈન ગેટ અને મોરી ગેટ રોડ પરથી માછીમારી બોટો સાથે સંકળાયેલા અનેક શખ્સો નશાની હાલતમાં કે દેશી દારૂના જથ્થા સાથે પકડાયા છે.

જિલ્લાના ખૂણે-ખૂણેથી એક જ દિવસમાં ૭૬ જેટલા કેસ અને તે પહેલાના દિવસે ૯૮ જેટલા કેસ સામે આવતા સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તરે દારૂનું નેટવર્ક અત્યંત ઊંડે સુધી મૂળ જમાવી ચૂક્યું છે. આ માત્ર નાના પ્યાદાંઓ કે પીનારાઓને પકડવાથી સમસ્યા હલ થશે નહીં, પરંતુ સરકાર અને ગૃહ વિભાગ દ્વારા આ દારૂનો મોટો જથ્થો સપ્લાય કરનારા મુખ્ય સૂત્રધારો સુધી તપાસનો દોર લંબાવવામાં આવે અને કડક પગલાં લેવાય તેવી જનતામાં પ્રબળ માંગ ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application