BREAKING NEWS

રાજકોટ ગ્રામ્યમાં ૧૮ અર્વાચીન- ૮૦૦ થી વધુ પ્રાચીન ગરબા: પોલીસની આયોજકો સાથે બેઠક

  • October 09, 2026 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્યમાં કુલ ૧૮ અર્વાચીન અને ૮૦૦ થી વધુ પ્રાચીન ગરબીઓનું આયોજન થનાર છે. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે કોઇ અનિઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તમામ ગરબા આયોજકો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગરબા આયોજકોને નિયમનોનું કડકાઇથી પાલન કરવા તાકીદ કરી હતી.આ બેઠકમાં ખાસ કરીને મેટોડા જીઆઈડીસી, લોધિકા, ગોંડલ, જેતપુર, ધોરાજી તેમજ ઉપલેટા સહિતના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાં યોજાનારા ખાનગી દાંડિયા રાસ અને કોમર્શિયલ ગરબાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. એસપી વિજયસિંહ ગુર્જરે સ્પષ્ટ કર્યું હતું કે, નવરાત્રી મહોત્સવ માટે મંજૂરી આપવામાં આવશે, પરંતુ તમામ આયોજકોએ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા કડક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં એસપીએ જણાવ્યું હતું કે, ગરબાના મુખ્ય મેદાન, પ્રવેશદ્વાર અને ખાસ કરીને આયોજન સ્થળથી લઈને છેક વાહન પાર્કિંગ સુધીના તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત રહેશે, જેથી દરેક હિલચાલ પર નજર રાખી શકાય.તેમજ પાર્કિંગ એરિયા અને અવાવરુ સ્થળોએ પૂરતી લાઈટો રાખવાની રહેશે જેથી અંધારાનો લાભ લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.ગરબામાં ઉમટી પડતી ભીડને નિયંત્રિત કરવા માટે આયોજકોએ પોતાના ખર્ચે પૂરતા પ્રમાણમાં બાઉન્સર્સ અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા પડશે. મહિલાઓની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. લાઉડસ્પીકર અને ડીજેના ઘોંઘાટ તેમજ સમય મર્યાદા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરકારની ગાઇડલાઇન મુજબ રાત્રે નિયત કરવામાં આવેલા સમય સુધી જ ડીજે કે સાઉન્ડ સિસ્ટમ પર દાંડિયાના સૂર રેલાવી શકાશે. સમય મર્યાદા પૂર્ણ થતાં જ સાઉન્ડ સિસ્ટમ બંધ કરી દેવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application