શહેરની હદમાં આવતી આજીડેમ, માધાપર, ગ્રીનલેન્ડ અને ગોંડલ ચોકડીએ અવાર નવાર અકસ્માતથી અનેક નિર્દોષ માનવ જિંદગી હોમાઈ રહી છે. ખાસ કરીને જુના મોરબી રોડથી બેડી વિસ્તાર સુધીમાં ગત મહિનામાં ટ્રક અને કારની અડફેટે છ જેટલા અકસ્માતમાં તરુણવયથી વૃધ્ધ વયના લોકોના કરુણ મોત નિપજ્યા છે. એમ છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા બેફામ દોડતા ટ્રક-ડમ્પર સહિતના ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં લાજ કાઢી રહી હોય તેમ આજદિન સુધી કોઈ પગલાં લેવામાં ન આવતા ગઈકાલે માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે મેસૂર ભગત ચોક નજીક વધુ એક બાઈક સવાર યુવાનને ટ્રકે ઉલાળતા ગંભીર ઇજા થવાથી કરૂણ મોત નીપજ્યું છે.
ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે લેતા યુવક રોડ પર પટકાયો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં આસોપાલવ રેસીડેન્સીમાં ચોથા ફ્લોર ઉપર ફ્લેટ નંબર-એ-402માં રહેતો ધ્રુવિલ વિપુલભાઈ શાયાણી (ઉં.વ.18)નો યુવાન ગઈકાલે બપોરે ઘરેથી બાઈક લઈને નાણાવટી ચોક તરફ જઈ રહ્યો હતો ત્યારે બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે આવેલા મેસૂર ભગત ચોક પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતા જીજે-38-ટી-0518 નંબરના ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે લેતા યુવક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઇ હતી.
લોકોના ટોળાં એકઠા થઇ ગયા
અકસ્માત સર્જાતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. કોઈએ 108ને જાણ કરતા યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસએ હોસ્પિટલ અને સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવકના પિતા વિપુલભાઈ શાંતિલાલ સાયાણીની ફરિયાદ પરથી નાસી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.
મૃતકના પિતા ચોરાફળીની લારી રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે
મૃતક યુવાન ધો.12માં અભ્યાસ કરતો હતો, બે ભાઇમાં નાનો હતો. પિતા વિપુલભાઈ હનુમાન મઢી પાસે ચોરાફળીની લારી રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે યુવકને નાણાવટી ચોકમાં રહેતા મિત્ર હર્ષ ટાંક સાથે ફિલ્મ જોવા જવું હોવાથી ઘરેથી બાઈક લઈને મિત્રના ઘરે તેડવા માટે જતો હતો દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પોલીસે નાશી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.