BREAKING NEWS

કાચા માલના ભાવ વધારાથી જામનગરની મીઠાઈ બજારમાં ૨૦ થી ૩૦ ટકાનો ઉછાળો

  • November 05, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાચા માલના ભાવ વધારાથી જામનગરની મીઠાઈ બજારમાં ૨૦ થી ૩૦ ટકાનો ઉછાળો


રોશની અને ઉમંગના મહાપર્વ દિવાળી તેમજ નવા વર્ષના આગમનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરના ઐતિહાસિક ચાંદી બજાર અને માંડવી ટાવર સ્થિત મીઠાઈ બજારમાં આ વર્ષે ભારે મંદીનો માહોલ છવાયો છે. દૂધ, માવો, શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સ સહિતના કાચા માલમાં થયેલા ભાવવધારાના કારણે મીઠાઈઓના ભાવમાં ૨૦ થી ૩૦ ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. 

મોંઘવારીના આ માર વચ્ચે ગ્રાહકોની ખરીદીમાં ૩૫ થી લઈને ૫૦ ટકા સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે સામાન્ય દિવસોમાં ગ્રાહકોથી ધમધમતી વર્ષો જૂની પેઢીઓ પર હાલ માત્ર પૂછપરછનો માહોલ જોવા મળી રહ્યો છે. 

બીજી તરફ, માંડવી ટાવર પાસે જ છેલ્લા ૭૦ વર્ષથી મીઠાઈના વેપારમાં અગ્રેસર રહેલા શ્રીખંડ સમ્રાટના માલિક અજયભાઈ ચોંટાઈએ આજકાલ સાથેની વાતચીતમાં બજારની વાસ્તવિક સ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા ભાવમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થયો છે અને ગ્રાહકોની ખરીદીમાં ૫૦ ટકાથી વધુનો ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. કાચા માલમાં સતત ભાવવધારાના કારણે છૂટક વેચાણ કરતા વેપારીઓ માટે મોટો પડકાર ઊભો થયો છે. બજારમાં પ્રવર્તતી આર્થિક મંદી અને મોંઘવારીના કારણે ગ્રાહકો દુકાને આવી માત્ર ભાવ પૂછીને ખરીદી ટાળી રહ્યા છે. શ્રીખંડ સમ્રાટ ખાતે હાલ કાજુની ૨૦, માવાની ૪૦ તેમજ સાચા અને શુદ્ધ ઘી તથા ડ્રાયફ્રૂટ આધારિત વિવિધ મીઠાઈઓ સાથે ૧૫થી વધુ ખાસ હેમ્પર્સ ઉપલબ્ધ કરાયા છે.

હાલ દૂધની બનાવટો અને કાજુ કતરીની માંગ છે, જ્યારે દિવાળીના મુખ્ય દિવસોમાં ચેવડો, ચવાણું, કચોરી, સોન પાપડી અને મોતીચૂર લાડુનો ઉપાડ વધવાની શક્યતા છે. વેપારી અજયભાઈએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હાલ બજાર સાવ ઠંડુ છે અને વેપારીઓ ભયંકર મંદીનો સામનો કરી રહ્યા છે, જેથી તહેવારોના છેલ્લા બે-ત્રણ દિવસોમાં છૂટક વેપાર નીકળે તેવી આશા રાખીને બેઠા છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગ્રાહકોને એકદમ તાજી, શુદ્ધ અને સ્વાદિષ્ટ મીઠાઈ મળી રહે તે હેતુથી કોઈપણ પ્રકારનો વધારાનો સ્ટોક રાખ્યા વગર માત્ર જરૂરિયાત અને ઓર્ડર મુજબ જ પૂરતી ચોકસાઈ સાથે તાજી મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે. આમ, ભાવવધારા અને મંદીના ઓછાયા વચ્ચે પણ જામનગરના પ્રતિષ્ઠિત મીઠાઈ વિક્રેતાઓ શુદ્ધતાના ભરોસે તહેવારોની છેલ્લી ઘડીએ ખરીદીનો માહોલ જામશે તેવી આશા સેવી રહ્યા છે.

શહેરના ચાંદી બજાર પાસે માંડવી ટાવર ખાતે છેલ્લા ૮૦ વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતા નવલભાઈ મીઠાઈવાળાના સંચાલક ભાવેશભાઈએ આજકાલના પત્રકાર તેજસ ગજરા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે જ્યારે ખરીદીમાં ૩૫ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

દિવાળી અને ધનતેરસના શુભ દિવસો માટે એડવાન્સ બુકિંગમાં પણ ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને મોટાભાગે લોકો માત્ર પૂછપરછ કરીને નીકળી જાય છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે પણ નવલભાઈ મીઠાઈવાળા ખાતે ડ્રાયફ્રૂટની ૨૫ જેટલી વિવિધ વેરાયટી, માવાની ૨૫ જાતની મીઠાઈઓ તેમજ બેંગાલી સ્વીટ્સ, શ્રીખંડ, ક્રીમ પુડિંગ અને બાસુંદીની વિશેષ માંગ જોવા મળી રહી છે. 

પારંપરિક મીઠાઈઓમાં જામનગરવાસીઓ ઘારી અને મોહનથાળની અચૂક પસંદગી કરી રહ્યા છે, જ્યારે ગિફ્ટિંગ કલ્ચર વધતાં આ વખતે ૧૫ થી ૧૭ પ્રકારના આકર્ષક દિવાળી હેમ્પર્સ તૈયાર કરવામાં આવ્યા છે. વેપારી ભાવેશભાઈએ ઉમેર્યું હતું કે વર્ષ ૧૯૪૫થી અમારી પેઢી પર ગ્રાહકોએ મૂકેલો વિશ્વાસ જાળવી રાખવો અને શુદ્ધ ક્વોલિટી આપવી એ જ અમારી સૌથી મોટી સિદ્ધિ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application